(Photo by STR/AFP via Getty Images)

સલમાન ખાન સાથે પોતાની નવી ત્રીજી ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ને કારણે રણદીપ હુડ્ડા અત્યારે બોલીવૂડમાં ચર્ચાનું કેન્દ્ર છે. આ ફિલ્મમાં તે વિલનના રોલમાં છે, તેનું રાણા નામનું પાત્ર ખૂબ જ ઘાતક છે. ટ્રેલરમાં સલમાન અને રણદીપ વચ્ચે લડાઇ થતી હોય તેવા સંવાદો જોવા મળ્યા છે. રણદીપે કહ્યું હતું કે આ ફિલ્મમાં સંપૂર્ણ નેગેટિવ ભૂમિકા ભજવવી એ રોમાંચક બાબત છે. અગાઉ તેણે સલમાન સાથે ‘કિક’ અને ‘સુલતાન’માં કામ કર્યું હતું. આ કોરોનાકાળમાં રણદીપે એક બિનસરકારી સંસ્થા સાથે મળીને દર્દીઓને ઓક્સીજન પહોંચાડવાનું આયોજન કર્યું હતું.

પોતાની નવી ફિલ્મ અંગે રણદીપ કહે છે કે, પોતે એમ નથી માનતો કે જો તે મોટા સ્ટાર્સ સાથે કામ કરશે તો તેનું કામ દેખાશે નહીં. તે કહે છે કે, ‘તમારે તમારી ફિલ્મમાં તમારી ક્ષમતા પ્રમાણે સારું કામ કરવાનું હોય છે. મારું કામ ઢંકાઈ જશે અથવા તો એવી અન્ય વસ્તુઓ મારા મગજમાં નથી આવતી. હું મારો રોલ ભજવું છું અને અન્ય કલાકારો તેમની ભૂમિકા ભજવે છે. અમે એક જ રોલ નથી ભજવતાં કે કોઈના કામથી અમારું મહત્ત્વ ઘટી જશે, મેં એવું ક્યારેય વિચાર્યું પણ નથી. લોકો એમ પણ કહે છે કે ‘ખા ગયા’, પરંતુ હું એવું જરા પણ નથી વિચારતો. આ સલમાનની જ ફિલ્મ છે અને મેં તેમની સાથે અગાઉ બે ફિલ્મોમાં કામ કર્યું હતું. એ ફિલ્મના કારણે મને ઓળખ મળી હતી. એથી મને જરા પણ અસલામતીની લાગણી નથી. ઘણા લોકોએ એ ફિલ્મમાં સખત મહેનત કરી હતી.’ રાધે..માં સલમાનની સાથે દિશા પટની અને જેકી પણ છે.