(Photo by STR/AFP via Getty Images)

બોલીવૂડના ફિલ્મકારો ઘણીવાર જુદા જુદા વિવાદોમાં ફસાતા હોય છે. આ વિવાદોને કારણે તેમને ક્યારેક નુકસાન પણ જતું હોય છે. તાજેતરમાં રણદીપ હુડા નવા વિવાદમાં ફસાયો છે. તેણે બહુજન સમાજ પાર્ટીની નેતા અને ઉત્તર પ્રદેશનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માયાવતી પર આપત્તિજનક કટાક્ષ કર્યો હતો.

રણદીપની આ રમૂજ સોશિયલ મીડિયા પર જોવા મળતા માયાવતીના સમર્થકોએ વાંધો ઉઠાવીને તેની ધરપકડની પણ માગણી કરી હતી. જોકે, તેની આ મજાકને સેક્સિએસ્ટ અને જાતિવાદી માનવામાં આવે છે. હવે આ ઘટના પછી રણદીપને યુનાઇટેડ નેશનના જંગલી જાનવરોની પ્રવાસી પ્રજાતિઓના સંરક્ષણ સમ્મેલન (સીએમએસ)ના એમ્બેસેડર પદ પરથી દૂર કરવામાં આવ્યો છે. એક વીડિયો વાઇરલ થયા પછી રણદીપ વિરુદ્ધ આ પગલું ઉઠાવામાં આવ્યું છે. જેમાં તે માયાવતીની મજાક કરતો જોવા મળ્યો છે.

જોકે આ વીડિયો વર્ષ ૨૦૧૨નો છે. સીએમએસ સચિવાલયે જણાવ્યું હતું કે, હાલમાં એક વીડિયો અમને જોવા મળ્યો હતો. જોકે આ વીડિયો બહુ જુનો છે. અમે રણદીપને એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યો હતો ત્યારે અમને આ વીડિયો વિશે કોઇ માહિતી નહોતી. હવે જાણ્યા પછી અમે તેને તરત જ આ પદથી દૂર કર્યો છે.