ટાવર હેમ્લેટ્સમાં શંકાસ્પદ હોમોફોબિક હુમલામાં મોતને ભટેલા 50 વર્ષના ગે વ્યક્તિનું નામ રણજીત કકનામલાગે હોવાનું પોલીસે જાહેર કર્યું છે. ‘રોય’ તરીકે ઓળખાતો રણજીત ગે હતો અને ઘણા વર્ષોથી ટાવર હેમલેટ્સમાં રહેતો હતો. તેના પરિવારને નિષ્ણાત અધિકારીઓ દ્વારા ટેકો આપવામાં આવી રહ્યો છે. પોલીસે લોકોને આ હત્યા અંગે માહિતી આપવા અપીલ કરી છે.

સોમવાર, 16 ઓગસ્ટના રોજ અંદાજે સવારે 6:30 વાગ્યે ઇસ્ટ લંડનના સધર્ન ગ્રોવ, E3 ખાતે આવેલ ટાવર હેમલેટ્સ સીમેટ્રી પાર્કમાંથી રણજીત માથામાં ઈજા સાથે મળી આવતા લંડન એમ્બ્યુલન્સ સર્વિસ (LAS) દ્વારા પોલીસને બોલાવવામાં આવી હતી. તેને ઘટનાસ્થળે મૃત જાહેર કરાયો હતો. આ ઘટનાને હોમોફોબિક હેટ ક્રાઇમ તરીકે ગણી રહી છે.

આ વિસ્તારમાં સ્થાનિક પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે અને અધિકારીઓ LGBT+ સલાહકાર જૂથ અને LGBT+ ચેરીટી સંસ્થાઓ સાથે કામ કરી રહ્યા છે. લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના આસપાસના લોકો પ્રત્યે જાગૃત રહીને, મોટેથી સંગીત સાંભળવાનું અને શક્ય હોય ત્યાં ઝાંખા પ્રકાશવાળા વિસ્તારોમાં ટાળે અને પોતાની વ્યક્તિગત સલામતીને પ્રાથમિકતા આપે.

હેકની અને ટાવર હેમલેટ્સનના પોલીસ કમાન્ડર ડિટેક્ટીવ ચીફ સુપ્રિટેન્ડન્ટ માર્કસ બાર્નેટે કહ્યું હતું કે “આ એક બર્બર હત્યા છે અને મારા વિચારો રણજીતના પરિવાર અને પ્રિયજનો સાથે છે. હું સમુદાયને આશ્વાસન આપવા માંગુ છું. કે મારા અધિકારીઓ અને નિષ્ણાત ડીટેક્ટીવ્સ જવાબદાર લોકોને ન્યાય અપાવવા માટે અથાક પરિશ્રમ કરી રહ્યા છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે લંડનમાં કોઈપણ પ્રકારનાં ધિક્કારપાત્ર ગુના માટે કોઈ સ્થાન નથી અને મેટ તેનો સામનો કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને પીડિતોને ટેકો આપવા અમે હાજર છીએ. આ મુશ્કેલ સમયમાં LGBTQ+ સંસ્થાઓ તરફથી અમને જે સમર્થન મળી રહ્યું છે તેના માટે હું ખરેખર આભારી છું.

ડિટેક્ટીવ સુપ્રિન્ટેન્ડેન્ટ, સ્પેશિયાલિસ્ટ ક્રાઇમ, પેટ વૉલિસે જણાવ્યું હતું કે “મારા અધિકારીઓ સ્થાનિક સાથીઓ સાથે ચોવીસેય કલાક કામ કરી રહ્યા છે.’’

આ તપાસના સંદર્ભમાં ધરપકડ કરાયેલા 36 વર્ષીય વ્યક્તિને જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. માહિતી ધરાવનાર કોઈપણ વ્યક્તિએ 101 કે 0208 345 3865 ઉપર ઇન્સિડન્ટ રૂમને ફોન કરવા વિનંતી કરાઇ છે.