લોકપ્રિય ટીવી એક્ટર અને 'બિગ બોસ 13'ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું ગુરુવારે માત્ર 40 વર્ષની ઉંમરે નિધન થતાં થતાં ટીવી જગતમાં શોક અને આઘાતની લાગણી વ્યાપી ગઈ હતી. (PTI Photo)

લોકપ્રિય ટીવી એક્ટર અને ‘બિગ બોસ 13’ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું ગુરુવારે માત્ર 40 વર્ષની ઉંમરે નિધન થતાં થતાં ટીવી જગતમાં શોક અને આઘાતની લાગણી વ્યાપી ગઈ હતી. શુક્લાનું વહેલી સવારે હાર્ટ અટેકના લીધે નિધન થયું હોવાનું માનવામાં આવે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સિદ્ધાર્થ શુક્લા રાત્રે દવા લઈને સૂઈ ગયો હતો પરંતુ દવા શેની હતી તેની કોઈ જાણકારી મળી નથી. સિદ્ધાર્થના મૃતદેહનું હાલ મુંબઈની કૂપર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. સિદ્ધાર્થ શુક્લાને કૂપર હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. સિદ્ધાર્થ શુક્લા પોતાની પાછળ મા અને બે બહેનોને રડતા મૂકીને ગયો છે.

સિદ્ધાર્થ શુક્લા ટીવી ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો હતો. તેણે ‘બિગ બોસ’ની 13મી સીઝન જીતી હતી. આ સિવાય ‘ખતરોં કે ખિલાડી 7’નો પણ વિજેતા રહી ચૂક્યો છે. સીરિયલ ‘બાલિકા વધૂ’ દ્વારા સિદ્ધાર્થે ઓળખ બનાવી હતી.

2 ડિસેમ્બર 1980ના દિવસે મુંબઈમાં જન્મેલા સિદ્ધાર્થ શુક્લાએ મોડલ તરીકે કરિયરની શરૂઆત કરી હતી. 2004માં સિદ્ધાર્થે ટેલિવિઝન પર ડેબ્યૂ કર્યું હતું. 2008માં ‘બાબુલ કા આંગન છૂટે ના’ નામની સીરિયલમાં જોવા મળ્યો હતો. પરંતુ ‘બાલિકા વધૂ’ શોએ તેને પોપ્યુલારિટી અપાવી હતી. ટીવી ઈન્ડસ્ટ્રીમાં નામના મેળવ્યા બાદ સિદ્ધાર્થે બોલિવુડમાં પણ પગ મૂક્યો હતો. આલિયા ભટ્ટ અને વરુણ ધવન સ્ટારર ફિલ્મ ‘હમ્પટી શર્મા કી દુલ્હનિયા’માં સિદ્ધાર્થ મહત્વના રોલમાં જોવા મળ્યો હતો.