( Getty Images)

રશિયન સરકાર દ્વારા ૨૦૧૧ની સાલમાં સ્થાપવામાં આવેલા રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (આરડીઆઇએફ)એ બુધવારે જણાવ્યું હતું કે તે ભારતની ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝને કોવિડ-૧૯ વિરોધી ‘સ્પુટનિક-વી’ નામની વેક્સિનના ૧૦ કરોડ ડોઝ આપશે. ભારતથી નિયમનકાર સંબંધિત સત્તાવાળા તરફથી મંજૂરી મળી જશે એટલે તરત જ આ ડૉઝ ભારતને મોકલવામાં આવશે. હવેની પ્રક્રિયામાં આ રશિયન રસીના ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરાશે. આ ટ્રાયલ ભારતીય કંપની (ડૉ. રેડ્ડીઝ) સાથેના સહયોગમાં કરાશે. જોકે, આ સંયુક્ત ટ્રાયલ અને સપ્લાયને લગતો સોદો નિયમનકારી સંસ્થા તરફથી મંજૂરી મળ્યા પછી જ હાથ ધરવામાં આવશે.

આરડીઆઇએફે આ વેક્સિનપૂરી પાડવાનો કરાર અત્યાર સુધીમાં કઝાખસ્તાન, બ્રાઝિલ અને મેક્સિકો સાથે કર્યો છે તેમ જ ભારતમાં આ વેક્સિનના ભાગીદારીમાં ઉત્પાદન કરવાનો કરાર પણ કરવામાં આવ્યો છે. રશિયા ભારતમાં ‘સ્પુટનિક-વી’ રસીના ૩૦ કરોડ ડોઝ ઉત્પન્ન કરવા માગે છે.

રશિયાની ‘સ્પુટનિક-વી’ રસી વિશ્વમાં રજિસ્ટર્ડ થયેલી સૌપ્રથમ કોરોના વાઇરસ વિરોધી વેક્સિન છે. રશિયા દ્વારા વ્યાપક પ્રમાણમાં (ત્રીજા તબક્કા તરીકે) ટ્રાયલ હાથ ધરાઈ છે જેમાં ઓછામાં ઓછા ૪૦,૦૦૦ લોકોને આવરી લેવામાં આવ્યા છે. ૨૬મી ઓગસ્ટે શરૂ કરાયેલી આ ટ્રાયલ હજી પૂરી નથી થઈ.