રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) માર્ચ 2025માં પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે સરકારને રૂ.2.69 લાખ કરોડનું રેકોર્ડ ડિવિડન્ડ ચુકવશે, જે 2023-24ના નાણાકીય વર્ષના રૂ.2.1 લાખ કરોડની સરખામણીમાં 27.4 ટકા વધુ છે.
ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં આરબીઆઈ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 616મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન, બોર્ડે વૈશ્વિક અને સ્થાનિક આર્થિક દૃષ્ટિકોણની સમીક્ષા કરી હતી. બોર્ડે એપ્રિલ 2024થી માર્ચ 2025 સુધીના વર્ષ માટે રિઝર્વ બેંકના પ્રદર્શનનું પણ મૂલ્યાંકન કર્યું હતું અને નાણાકીય વર્ષ 25 માટે વાર્ષિક અહેવાલ અને નાણાકીય નિવેદનોને મંજૂરી આપી હતી.
આરબીઆઈના આ ડિવિડન્ડથી કેન્દ્ર સરકારને ચાલુ નાણાકીય વર્ષ માટે તેની રાજકોષીય ખાધને ઘટાડીને જીડીપીના ૪.૪ ટકા કરવામાં મદદ મળશે. ચાલુ નાણાકીય વર્ષ માટે કેન્દ્રિય બજેટમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને જાહેર ક્ષેત્રની નાણા સંસ્થાઓ પાસેથી ડિવિડન્ડનો અંદાજ રૂ.૨.૫૬ લાખ કરોડ મૂકાયો હતો.
કેન્દ્ર સરકારને આ સરપ્લસની ચૂકવણી કુલ ડોલર વેચાણની મોટી આવક, ઊંચા ફોરેન એક્સચેન્જ લાભ અને વ્યાજ આવકમાં સ્થિર વધારાના કારણે શક્ય બની છે. નોંધનીય છે કે, આરબીઆઈ જાન્યુઆરીમાં ફોરેન એક્સચેન્જ રિઝર્વ વેચનાર ટોચના એશીયન સેન્ટ્રલ બેંકોમાં એક રહી હતી.
