ભારત ખાતેના ભૂતપૂર્વ અમેરિકી એમ્બેસેડર રિચાર્ડ વર્મા અગ્રણી ફાઇનાન્શિયલ સર્વિસ કંપની માસ્ટરકાર્ડમાં જોડાયા છે. (ફાઇલ ફોટો) (Photo by MONEY SHARMA/AFP via Getty Images)

ભારત ખાતેના ભૂતપૂર્વ અમેરિકી એમ્બેસેડર રિચાર્ડ વર્મા અગ્રણી ફાઇનાન્શિયલ સર્વિસ કંપની માસ્ટરકાર્ડમાં જોડાયા છે. તેઓ ગ્લોબલ પબ્લિક પોલિસી એન્ડ રેગ્યુલેટરી અફેર્સના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટનો હોદ્દો સંભાળશે. રિચાર્ડ વર્મા કેનેડામાં જન્મેલા ઇન્ડિયન અમેરિકન છે.

માસ્ટરકાર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વર્મા વિશ્વભરમાં કંપનીની જાહેર નીતિ, નિયમનકારી બાબતો અને લિટિગેશન ટીમ પર દેખરેખ રાખશે. વર્મા કેપિટલ એડવાઇઝરી કંપની ધ એશિયા ગ્રૂપમાંથી માસ્ટરકાર્ડમાં જોડાયા છે. એશિયા ગ્રૂપમાં તેઓ વાઇસ ચેરમેન અને પાર્ટનરના હોદ્દા પર હતા. તેઓ 2014થી 2017 દરમિયાન ભારત ખાતે યુએસ એમ્બેસેડર હતા. માસ્ટરકાર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અજય બંગાએ જણાવ્યું હતું કે જાહેર નીતિ, ભૂ-રાજકીય, વેપાર અને આંતરરાષ્ટ્રીય કાયદામાં બહોળા અનુભવ સાથે રિક વર્મા એક સફળ લીડર છે. ભારતમાં અમેરિકાના એમ્બેસેડર તરીકે તેમણે બંને દેશો વચ્ચેના સંબંધોમાં વધારો કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.