(Photo credit should read PRAKASH SINGH/AFP via Getty Images)

કોરોના વાયરસના રોગચાળાના કારણે આશરે બે વર્ષના બ્રેક પછી હવે વિદેશમાં વસતા ભારતીયો તેમજ બિનનિવાસી ભારતીયોને ભારત જવું – આવવું સહેલું થશે. ભારતમાં રાબેતા મુજબની ઈન્ટરનેશનલ ફલાઈટ્સ ઉપરના પ્રતિબંધો રદ થયા પછી રવિવાર (27 માર્ચ) થી રાબેતા મુજબની ફલાઈટ્સ શરૂ થઈ ગઈ છે.

સમર શિડ્યુલ હેઠળ ભારતની છ એરલાઇન્સ તથા 40 દેશોની 60 એરલાઇન્સને કુલ 3,249 વીકલી ફ્લાઇટ્સની મંજૂરી અપાઈ છે. ભારતની એરલાઇન ઇન્ડિગોને 505 વીકલી ફ્લાઇટ્સ, એર ઇન્ડિયાને 361, એર ઈન્ડિયા એક્સપ્રેસને 340, એમિરેટ્સને 170 વીકલી ફ્લાઇટ્સની મંજૂરી મળી છે. ટાટા ગ્રુપની જ ત્રણ એરલાઇન્સ એર ઇન્ડિયા, એર ઇન્ડિયા એક્સપ્રેસ અને વિસ્તારા કુલ 757 વીકલી ફ્લાઇટ્સ ઓપરેટ કરશે. DGCAના માન્ય શિડ્યુલમાં ટાટા ગ્રુપની ચોથી એરલાઇન એરએશિયા ઇન્ડિયાની ઇન્ટરનેશનલ ફ્લાઇટનો ઉલ્લેખ નથી.

રવિવારે ગ્વાલિયરમાં પત્રકારો સાથે વાતચીત કરતાં નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે આજનો દિવસ ઘણો જ મહત્ત્વનો છે. આજથી ફુલ કેપેસિટી સાથે તમામ રેગ્યુલર ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ચાલુ થઈ છે.

આશરે 40 દેશોની 60 એરલાઇન્સને સમર શિડ્યુલમાં 1,783 ફલાઈટ્સની મંજૂરી આપવામાં આવી છે. સમર શિડ્યુલ 27 માર્ચથી 29 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે. ભારતની છ એરલાઇન્સને દર સપ્તાહે કુલ 1,466 ઇન્ટરનેશનલ ડિપાર્ચરને મંજૂરી અપાઈ છે. આ કંપનીઓ 27 દેશોમાં 43 ડેસ્ટિનેશન માટે ફ્લાઇટ્સ ઓપરેટ કરશે, એમ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (ડીજીસીએ)એ જણાવ્યું હતું.

અમેરિકન એરલાઇન્સ ફ્લાઇટ્સમાં વધારો કરશે

અમેરિકન એરલાઇન્સના એમડી (યુરોપ, મિડલ ઇસ્ટ એન્ડ એશિયા ઓપરેશન્સ) રેટ વર્કમેન શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમેરિકન એરલાઇન્સને ન્યૂ યોર્ક (JFK) અને ન્યૂ દિલ્હી (DEL) વચ્ચેની ડેઇલી સર્વિસ સાથે ભારતમાં સર્વિસ પૂરી પાડવાનો ગર્વ છે. ભારત આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન ફરી ચાલુ કરી રહ્યું હોવાથી અમે દેશમાં અમારી હાજરીમાં વધારો કરવા માગીએ છીએ, કારણ કે ઇન્ડિગો સાથેની અમારી ભાગીદારી વધારીને આ વર્ષના અંત ભાગમાં સીએટલ (SEA) અને બેંગલોર વચ્ચે નવી સર્વિસ લોન્ચ કરવાની યોજના બનાવી છે.

વર્જિન આટલાન્ટિક ત્રણ ડેઇલી સર્વિસ ઓફર કરશે

બ્રિટિશ એરલાઇન વર્જિન આટલાન્ટિક પહેલી જૂનથી દિલ્હી અને લંડન વચ્ચે બીજી ડેઇલી સર્વિસ ચાલુ કરશે. મુંબઈ માટેની તેની ડેઇલી સર્વિસ ઉપરાંત વર્જિન આટલાન્ટિક ભારતમાંથી ત્રણ ડેઇલી ફ્લાઇટ ઓફર કરશે, એમ કંપનીએ શુક્રવારે જણાવ્યું હતું.

નવી દિલ્હી ખાતેના દેશના સૌથી મોટા એરપોર્ટ ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટની ધારણા છે કે રેગ્યુલર ઇન્ટરનેશનલ ફ્લાઇટ ફરી ચાલુ થયા બાદ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ ડિપાર્ચરમાં નોંધપાત્ર વધારો થશે.

ભારતની એરલાઇન્સ ઉપરાંત એમિરેટ્સ, વર્જિન એટલાન્ટિક અને LOT પોલિસ સહિતની વિદેશી એરલાઇન્સે પણ ભારત માટેની હવાઇસેવાની યોજના જાહેર કરી છે.

સરકારે પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ માટે કોરોના ગાઇડલાઇન્સમાં સુધારો કર્યો છે. હવે એરલાઇન્સ કંપનીઓએ મેડિકલ ઇમર્જન્સી માટે ત્રણ સીટ ખાલી નહીં રાખવી પડે. આ ઉપરાંત વિમાનના ક્રુના સભ્યો માટે સંપૂર્ણ પીપીઇ કીટ પહેરવાનો નિયમ પણ નાબૂદ કરાયો છે.

દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટીના પ્રવક્તાએ શુક્રવારે જણાવ્યું હતું કે કોમર્શિયલ ઓપરેશન્સ ફરી ચાલુ થયા બાદ સાઉથ ઇસ્ટ એશિયા અને યુરોપના ઇન્ટરનેશનલ મુસાફરોમાં વધુ વૃદ્ધિના મુખ્ય ચાલકબળ બને તેવી શક્યતા છે.

ગત શુક્રવારે ગલ્ફ દેશની એરલાઇન એમિરેટ્સે જણાવ્યું હતું કે તે પહેલી એપ્રિલથી કોરોના પહેલાના સ્તરે હતી તે મુજબની વિમાન સેવા ફરી ચાલુ કરશે. ભારતમાં માર્ચ 2020માં પ્રતિબંધ મૂકાયો તે પહેલા એમિરેટ્સ અમદાવાદ, દિલ્હી, મુંબઈ, ચેન્નાઇ અને કોલકતા સહિત નવ ડેસ્ટિનેશન માટે 170 વીકલી ફ્લાઇટ્સ ચલાવતી હતી. આ તમામ ફ્લાઇટ્સ પહેલી એપ્રિલથી ફરી ચાલુ થશે. આ 170 વીકલી ફ્લાઇટ્સમાં મુંબઈ માટેની 35, દિલ્હીની 28, બેંગલુરુની 24, ચેન્નાઇની 21, હૈદરાબાદની 21, કોચીની 14, કોલકત્તાની 11, અમદાવાદની નવ અને થીરુવન્તપુરમની સાત ફ્લાઇસનો સમાવેશ થાય છે.

શ્રીલંકન એરલાઇન્સે શુક્રવારે જણાવ્યું હતું કે તે કોરોના પહેલાના ફ્લાઇટ શિડ્યુલ્ડ મુજબ ભારત માટે 88 વીકલી ફ્લાઇટ ચાલુ કરશે. આ એરલાઇન્સ, દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, કોચી, ચેન્નાઇ અને બેંગલોર સહિત નવ શહેરોમાં ઉડ્ડયન કરે છે. પોલેન્ડ સ્થિત LOT પોલિશ એરલાઇન્સે ગુરુવારે જણાવ્યું હતું કે તે 31મેથી મુંબઈની ફ્લાઇટ ચાલુ કરશે અ 29 માર્ચથી દિલ્હીની સર્વિસ ફરી ચાલુ કરશે.