(Photo by KARIM SAHIB/AFP via Getty Images)

રેખાએ એક ટીવી રીયાલીટી શોમાં પોતાના મનની વાત કહીને સહુને ચોંકાવ્યા હતા. તાજેતરમાં રીયાલીટી શો ‘ઈન્ડિયન આઈડલ 12’માં રેખા સેલિબ્રિટી ગેસ્ટ હતા. આ એપિસોડમાં સ્પર્ધકોએ રેખાની ફિલ્મના ગીતો ગાયા હતા. રેખાને તેમાં ખૂબ જ મજા આવી હતી અને સ્પર્ધકોને પ્રોત્સાહન આપ્યું હતું.

જોકે, સૌથી વધુ ચર્ચા રેખાના એ જવાબની રહી, જેમાં તેણે પરિણીત પુરુષને પ્રેમ કરતી મહિલાઓ અંગે વાત કરી હતી., આ શોમાં હોસ્ટ જય ભાનુશાલી સોશિયલ મીડિયા યુઝર્સના નામથી શોની સ્પર્ધક સાયલી કાંબલેના પિતાની મજાક ઉડાવતો હતો. તેણે મજાકમાં રેખા તથા નેહા કક્કરને પૂછ્યું હતું, ‘શું તમે ક્યારેય જોયું છે કે કોઈ મહિલા કોઈ પુરુષ માટે એ હદે પાગલ થાય, અને તે પણ પરિણીત વ્યક્તિ માટે?’

નેહા જવાબ આપે તે પહેલાં રેખાએ કહ્યું હતું, ‘મને પૂછો ને?’ આ સાંભળતા જ જય ભાનુશાલી સહિત તમામ લોકો રેખાની સામે જોવા લાગે છે. જોકે, પછી રેખા તરત જ કહે છે, ‘હું કંઈ બોલી નથી.’ આ સાંભળીને જય સહિત નેહા કક્કર, હિમેશ રેશમિયા, વિશાલ તથા સ્પર્ધકો હસવા લાગ્યા હતા. રેખાનો આ જવાબ તેના ચાહકો અને અમિતાભ બચ્ચનના સંબંધો સાથે જોડાયેલો છે. જયા બચ્ચન સાથે લગ્ન કર્યા બાદ પણ રેખા તથા અમિતાભ વચ્ચે સંબંધો હતા. તેમના સંબંધોની ચર્ચા આજે પણ મીડિયામાં થાય છે. જોકે, અમિતાભે ક્યારેય તેમના અંગત સંબંધો અંગે જાહેરમાં કંઇ કહ્યું નથી.