ભારતને આત્મનિર્ભર બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિશનમાં ભારતની મૂલ્યની રીતે સૌથી મોટી ખાનગી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે નયે ઈન્ડિયા કા નયા જોશ સાથે આજે પ્રથમ મોટી છલાંગ લગાવી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જિઓ દ્વારા ડિઝાઈન અને ડેવલપ કરાયેલ મેઈડ ઈન ઈન્ડિયા ફાઈવ-જી ટેલીકોમ સોલ્યુશન તૈયાર કરી લીધું હોવાનું જાહેર કર્યું હતું.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની બુધવારે, 15 જુલાઇએ પ્રથમ વખત યોજાયેલી વર્ચ્યુઅલ ૪૩મી વાર્ષિક સાધારણ સભા(એજીએમ)માં શેરધારકોને સંબોધતા કંપનીના ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર મુકેશ અંબાણીએ રિલાયન્સની છેલ્લા ત્રણ મહિનાના ટૂંકા સમયગાળામાં ઝડપી વિકાસથી શેરધારકોને અવગત કરાવ્યા સાથે હવે આગામી સાત વર્ષમાં રિલાયન્સની ભારત-રિલાયન્સને નવા યુગમાં લઈ જવાનો ડિજિટલ ક્રાંતિ સાથે રીટેલ થી લઈને પેટ્રોકેમિકલ્સ બિઝનેસના ઝડપી વિકાસ માટેનો રોડમેપ રજૂ કર્યો હતો.

રિલાયન્સ જિઓ ઈન્ફોકોમ લિમિટેડે પોતાના દ્વારા સંપૂર્ણ સ્વદેશી ફાઈવ-જી સોલ્યુશન સાથે તૈયાર કરી લીધું હોવાનું અને આગામી વર્ષમાં ફાઈવ-જી માટે સ્પેક્ટ્રમની ફાળવણી થતાં તેના ટ્રાયલ માટે તૈયાર હોવાનું અંબાણીએ કહ્યું હતું. ભારતને આત્મનિર્ભર બનાવવાનું વિઝન આપનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ સંપૂર્ણ મેઈડ ઈન ઈન્ડિયા ફાઈવ-જી સોલ્યુશન સમર્પિત કર્યું હતું.

આ ફાઈવ-જી સોલ્યુશન્સની અન્ય ટેલીકોમ ઓપરેટરોનો ટૂંક સમયમાં નિકાસ માટે પણ તૈયાર થઈ જવાની મોટી જાહેરાત તેમણે કરી હતી. જિઓ પ્લેટફોર્મ્સમાંગૂગલના રૂ.૩૩,૭૩૭ કરોડના રોકાણ કરાર થયાનું જાહેર કરીને તેમણે જિઓ અને ગૂગલ દ્વારા સંયુક્ત રીતે ભારત માટે એન્ડ્રોઈડ બેઝડ ઓપરેટીંગ સિસ્ટમ વિકસાવવાનું
જાહેર કર્યું છે.

આ સાથે અંબાણી કહ્યું હતું કે, નવી ઓપરેટીંગ સિસ્ટમ દેશના અત્યારે ટુજી મોબાઈલ ફોન વપરાશકાર ભારતીયો માટે નવા એન્ટ્રી લેવલના પરવડે એવા સ્માર્ટફોનો વિકસાવવાના હેતુંથી તૈયાર કરાશે અને આ નવી ઓપરેટીંગ સિસ્ટમના ઉપયોગથી ભારતનો ટુજી મુક્ત કરવાની જિઓની યોજના છે. ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ પણ આ એજીએમમાં સંબોધતા તેમની કંપની દ્વારા ભારતમાં આગામી પાંચ થી સાત વર્ષમાં ૧૦ અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના સાથે જિઓ પ્લેટફોર્મ્સ સાથે વ્યુહાત્મક ભાગીદારી કરી હોવાનું જણાવ્યું હતું.

દેશમાં ડિજિટલ ક્રાંતિ લાવનાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેના ડિજિટલ એકમ જિઓ પ્લેટફોર્મ્સમાં ત્રણ મહિનાના ટૂંકાગાળામાં રૂ.૧,૫૨,૦૦૦ કરોડથી વધુ વૈશ્વિક રોકાણ મેળવ્યાની સિદ્વિ સાથે કંપનીને લક્ષ્યાંકથી વહેલા નેટ ધોરણે દેવા મુક્ત કર્યાનું જાહેર કર્યું હતું. રિલાયન્સ જિઓ પ્લેટફોર્મ્સમાં આજે કંપનીએ વિશ્વ વિખ્યાત આઈટી જાયન્ટ ગૂગલ દ્વારા રૂ.૩૩,૭૩૭ કરોડનું રોકાણ કરીને ૭.૭૩ ટકા હોલ્ડિંગ ખરીદવાના કરાર કર્યાનું જાહેર કર્યું હતું.

રાઈટ ઈસ્યુ, વૈશ્વિક રોકાણકારો દ્વારા રૂ.૧,૫૨,૦૦૦ કરોડના રોકાણસાથે બ્રિટિશ પેટ્રોલિયમ સાથે ડીલ મળીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે કુલ રૂ.૨.૧ લાખ કરોડની મૂડી ઊભી કરી છે. મુકેશ અંબાણીએ કંપનીના શેરોના રૂ.૫૩,૧૨૪ કરોડના ભારતના સૌથી મોટા રાઈટ ઈસ્યુની સફળતા માટે શેરધારકોનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ રાઈટ ઈસ્યુ ૧.૫૯ ગણો છલકાઈ જઈ ભારતના મૂડી બજારમાં વધુ એક વિક્રમ રચાયો છે.

આ સાથે તેમણે કહ્યું હતું કે રિલાયન્સની મૂડી ઊભી કરવાની યોજના હવે પૂરી થઈ ગઈ છે, કંપની હવે વિવિધ બિઝનેસોમાં વ્યુહાત્મક ભાગીદારી કરીને વિકાસને વેગ આપશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની એજીએમમાં આજે મુકેશ અંબાણીના પુત્ર અને રિલાયન્સ જિઓના ડિરેકટર આકાશ અંબાણી અને પુત્રી ઈશા અંબાણી તેમ જ કંપનીની પ્રેસીડેન્ટ કિરણ થોમસે જિઓના રોડમેપ ૨.૦-નવા ડેવલપમેન્ટ વિશે જણાવ્યું હતું કે જિઓ દ્વારા જિઓ ગ્લાસ હેડસેટ વિકસાવવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.

આ જિઓ ગ્લાસ હેડસેટ થકી ડિજિટલ નોટ્સ અને પ્રેઝેન્ટશનોની આપલે થઈ શકતી હોવાનું અને શિક્ષકો તથા વિદ્યાર્થીઓ માટે આ ગ્લાસ થ્રીડી વર્ચ્યુઅલ રૂમ્સ સક્ષમ હોવા સાથે જિઓ મિક્સ્ડ રિયાલ્ટી સર્વિસિઝ થકી રિયલ ટાઈમ હોલોગ્રાફિક ક્લાસિસ યોજી શકાશે એમ જણાવ્યું હતું. માત્ર ૭૫ ગ્રામ વજન ધરાવતા આ જિઓ ગ્લાસને સ્માર્ટફોન સાથે કનેક્ટ કરવાના રહેશે અને એ ઈનબિલ્ટ ૨૫ એપ્સ સાથે આપવામાં આવશે.

આ સાથે ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે જિઓમીટ ભારતનું સંપૂર્ણ સુરક્ષિત અને ખર્ચ અસરકારક વિડિયો કોન્ફરન્સિંગ પ્લેટફોર્મ છે.જિઓના નવા કોમર્સ પ્લેટફોર્મ જિઓમાર્ટ વિશે તેમણે કહ્યું હતું કે, વોટ્સએપ જે ફેસબુકની પ્રોડક્ટ છે અને ૪૦ કરોડથી વધુ વોટ્સએપ યુઝર હોવાથી કંપનીએ આ માટે ભાગીદારી કરીને અનેક ભારતીય નાના વેપારીઓ અને કરિયાણા સ્ટોરને વૃદ્વિની તકો પૂરી પાડવા સાથે મળીને કામ કરી રહ્યા છીએ. જિઓ માર્ટ રજૂ કર્યાના અમુક સપ્તાહમાં જ દૈનિક ૨,૫૦,૦૦૦ ઓર્ડરો એના થકી થવા લાગ્યા છે.