દેશમાં વસતા લાખો ભાડૂતો માટે સીમાચિહ્નરૂપ રેન્ટર્સ રાઇટ્સ બિલને 27 ઓક્ટોબરના રોજ શાહી સંમતિ પ્રાપ્ત થયા પછી તે હવે સત્તાવાર રીતે કાયદો બની ગયો છે. સમગ્ર ઈંગ્લેન્ડમાં વસતા 11 મિલિયન ખાનગી ભાડૂતોને સુરક્ષિત રાખવા માટે રચાયેલા અને ભાડૂતોને અધિકાર આપતો કાયદાને કારણે મકાનમાલિકો હવે કારણ વગર ભાડૂતોને ઘરની બહાર કાઢી શકશે નહીં, ભાડૂતો અન્યાયી ભાડા વધારાને કોર્ટમાં પડકારી શકશે અને સમારકામની વિનંતી કરવા અથવા પાલતુ પ્રાણીઓ રાખવા માટે તેમને મજબૂત અધિકારો પ્રાપ્ત થશે.
વડા પ્રધાન સર કીર સ્ટાર્મરે આ કાયદાને “ભૂકંપીય પગલું” ગણાવીને આવકાર આપતા કહ્યું હતું કે “દરેક પરિવાર સુરક્ષિત ઘરની ગરિમાને પાત્ર છે. ઘણા લાંબા સમયથી, લાખો લોકો બદમાશ મકાનમાલિકો અથવા અસુરક્ષિત કરારોની દયા પર જીવી રહ્યા છે. અમે તેનો અંત લાવી રહ્યા છીએ.”
હાઉસિંગ સેક્રેટરી સ્ટીવ રીડે જણાવ્યું હતું કે આ કાયદો ભાડૂતો અને મકાનમાલિકો વચ્ચે રમતનું ક્ષેત્ર સમાન બનાવે છે જે ભાડૂતોના અધિકારોમાં સૌથી મોટી છલાંગ સમાન છે.
નવો કાયદો મકાનમાલિકો અને એજન્ટોને બાળકો ધરાવતા ભાડૂતો અથવા બેનીફીટ મેળવનારાઓ સાથે ભેદભાવ કરવાથી પણ પ્રતિબંધિત કરે છે, ખાનગી ક્ષેત્રમાં ડીસેન્ટ હોમ્સ સ્ટાન્ડર્ડ રજૂ કરે છે, અને વિવાદોને ઝડપથી ઉકેલવા માટે ખાનગી ભાડા ક્ષેત્રના લોકપાલની સ્થાપના કરે છે.
કલમ 21ને રદ કરવા માટે વર્ષો સુધી લડત ચલાવનાર રેન્ટર્સ રિફોર્મ કોએલીએશન અને જનરેશન રેન્ટના કેમ્પેઇનર્સે આ કાયદાને “ભાડૂતોની સુરક્ષા અને ગૌરવ માટે વિજય” તરીકે આવકાર્યો હતો. જેના અમલીકરણની વિગતો અને સમયરેખા આગામી અઠવાડિયામાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે.














