માર્ચ્સ સ્ટેપના હેલ્થ એવોર્ડમાં, કરિયર ટ્રાંઝિશન પાર્ટનરશિપ હેડ ઓફ એમ્પ્લોયમેન્ટ શ્રી લોરેન કેડલ અને NHS એમ્પ્લોયર્સ ચીફ એક્ઝિક્યુટિવ શ્રી ડેની મોર્ટિમરના હસ્તે આઉટસ્ટેન્ડિંગ ઇમ્પેક્ટ સીન્સ જોઇનીંગ ધ NHS એવોર્ડ મેળવતા જોશુઆ રાયડર. આ સમારોહમાં પ્રિન્સ વિલિયમ પણ ઉપસ્થિત રહ્યા હતા. (તમામ તસવીર સૌજન્ય: NHS એમ્પ્લોયર્સ)

યુકે સરકારના સહયોગથી પ્રસ્તુત

કોવિડ-19 ફાટી નીકળ્યા બાદ નિવૃત્ત લશ્કરી જવાનો નાઈટીંગેલ હોસ્પિટલો બનાવવા, ઘરમાં સુરક્ષીત રહેતા હજારો સંવેદનશીલ લોકોને ખોરાક અને દવાઓ પહોંચાડવા, સમુદાયોને તમામ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવામાં મદદ કરવા સહિત વિવિધ પ્રકારના પ્રોજેક્ટ્સમાં પોતાની મહત્વપૂર્ણ કુશળતાનો લાભ આપી રહ્યા છે.

NHSના બહાદુર કર્મચારીઓની સાથે ભૂતપૂર્વ લશ્કરી કર્મચારીઓએ મોબાઇલ ટેસ્ટ સાઇટ્સ ગોઠવીને લક્ષણો સાથે આવતા હજારો લોકોના ટેસ્ટ સરળતાથી અને સલામત રીતે કર્યા છે. તેમાં ઘણી વિશિષ્ટ કુશળતાની જરૂર હતી જે નિવૃત્ત સૈનિકોએ તેમની લશ્કરી સેવાના વર્ષો દરમિયાન શીખી છે. સૈન્ય આપણને આરોગ્યસંભાળ, બિઝનેસ કે સંગઠન ક્ષેત્રે મહત્વપૂર્ણ કુશળતા આપે છે.

કોવિડ-19  દરમિયાન ફ્રન્ટ લાઇન જોબ્સ, હોસ્પિટલોના વિભાગોને ફરીથી ડિઝાઇન કરવા, કોવિડ અને નોન કોવિડ દર્દીઓની સહાય, નર્સોને મદદ સહિત અન્ય ભૂમિકાઓમાં NHS કર્મચારીઓનો મહત્વપૂર્ણ ભાગ રહેલા નિવૃત્ત સૈનિકોએ NHSને તેમની લશ્કરી કુશળતા અને અનુભવોનો લાભ આપ્યો છે. જે આ પડકારજનક સમયમાં અમૂલ્ય રહ્યો છે.

ઘણા ભૂતપૂર્વ સૈન્ય કર્મચારીઓ NHSમાં વેટરન્સ મેન્ટલ હેલ્થ ટ્રાંઝિશન, ઇન્ટરવેન્શન અને લાયેઝન સર્વિસ (TILS) અને વેટરન્સ મેન્ટલ હેલ્થ કોમ્પ્લેક્સ ટ્રીટમેન્ટ સર્વિસ (CTS)થકી નિવૃત્ત જવાનોને આ સમયગાળા દરમિયાન વર્ચ્યુઅલ અથવા ફોન દ્વારા સેવા આપી રહ્યા છે.

30 વર્ષિય ભૂતપૂર્વ સૈનિક જોશુઆ રાયડરે વેસ્ટ આફ્રિકન ઇબોલા વાયરસના પ્રકોપ દરમિયાન સીએરા લિયોન નજીકના કેરી ટાઉનના “રેડ ઝોન”માં વોલંટીયર તરીકે કામ કર્યું હતું.

રોયલ આર્મી મેડિકલ કોરના સભ્ય તરીકે, તેમણે કોમ્બેટ મેડિકલ ટેક્નીશીયન તરીકે કામ કરી ટોપ ટ્રેઇની અને એડલ્ટ લર્નર ઓફ ધ યર એવોર્ડ મેળવ્યો હતો.

જોશુઆએ કહ્યું હતું કે “અમે મેલેરિયા અને ગેસ્ટ્રોએન્ટ્રાઇટિસ જેવા લક્ષણો ધરાવતા કન્ફર્મ અથવા શંકાસ્પદ ઇબોલાવાળા દર્દીઓની સારવાર કરી હતી. દર્દીઓમાં ઇબોલા છે કે કેમ તે નિર્ધારિત કરવા માટે અમે તેમને ટ્રિએજ અને ટેસ્ટ કર્યા હતા.”

2014થી 2016 દરમિયાન ઇબોલોના કારણે સીએરા લિયોનમાં 11,325 લોકોનાં મોત અને 28,600થી વધુ કેસ થયાં હતાં. જોશુઆને ફક્ત 30 દિવસ સુધી આ ક્ષેત્રમાં કામ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

તેણે કહ્યું હતું કે “હું તે દેશને ચાહતો હતો. તેમાં કેટલાક સુંદર સ્થળો છે અને લોકો ખરેખર મૈત્રીપૂર્ણ છે. રોગચાળાને કારણે થયેલો વિનાશ જોઈને દુ:ખ થયું. અમે ફક્ત રોગચાળા પર ધ્યાન કેન્દ્રિત નહોતું કર્યું અમે અનાથાલયોની મુલાકાત લઇ દેશ માટે કંઈક બાંધવામાં મદદ કરી હતી.

જોશુઆએ યાદ કરતા જણાવ્યું હતું કે ‘’બાળકોને તેમના માતાપિતાને વાયરસથી ગુમાવતા જોઇ તે હાલી ઉઠ્યો હતો.”

2018માં સૈન્ય છોડ્યા બાદ 12 વર્ષીય ટિયા અને 10-વર્ષીય લોલાના પિતા જોશુઆ હવે સ્ટેફર્ડમાં મિડલેન્ડ્સ પાર્ટનરશીપ NHS ટ્રસ્ટના એક્યુટ મેન્ટલ હેલ્થ વોર્ડમાં ટ્રેઇની નર્સિંગ એસોસિએટ તરીકે કામ કરે છે.

તેણે કહ્યું હતું કે “હું દરરોજ દર્દીઓની શારીરિક સુખાકારીમાં વધુ શામેલ થાઉ છું, તેમને શાંત પાડું છું, શારીરિક નિરીક્ષણો, ઇસીજી લોહીની તપાસ વગેરે કરું છું.

“હું અઠવાડિયામાં એક દિવસ કીલ યુનિવર્સિટીમાં જઉ છું અને સપ્ટેમ્બરમાં મારુ બીજુ વર્ષ શરૂ થવાનું છે.”

જોશુઆના અનુભવો અને સૈન્યની કુશળતાએ તેને NHS તરફ દોર્યો હતો, ખાસ કરીને માનસિક આરોગ્ય તરફ. તેણે કહ્યું હતું કે “મેં વિશ્વભરના વિવિધ સ્થળોએ સ્થિતિની માંગ મુજબ કામ કર્યું છે. હું વિવિધ વાતાવરણ અને નોકરીની ભૂમિકાઓને અનુરૂપ થવા માટે સ્વીકાર્ય છું.

સૈન્યમાં તેણે નબળા માનસિક સ્વાસ્થ્યથી પીડાતા સૈનિકોને પણ જોયા છે.

જોશુઆએ જણાવ્યું હતું કે “મેં સ્ટેપ ઇન હેલ્થ પ્રોગ્રામ દ્વારા NHSમાં પ્રવેશ કર્યો છે, જે તેજસ્વી રહ્યો છે. મેં જે કર્યું તે બતાવવા હું સક્ષમ હતો અને મારા અનુભવોને ધ્યાનમાં લેવાયા છે.

“ટ્રેની નર્સિંગ એસોસિયેટના પદ માટે ઘણી સ્પર્ધા હતી. હું મારી જાતને સાબિત કરવામાં સક્ષમ છું અને ખરેખર હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.

“પ્રોગ્રામના પ્રથમ સમારોહમાં જ મેં આઉટસ્ટેન્ડિંગ ઇમ્પેક્ટ સીન્સ જોઇનીંગ ધ NHS એવોર્ડ માટે મને એવોર્ડ જીત્યો છે”

જોશુઆ વધુ મુશ્કેલ સમયમાં દર્દીઓની સારવાર કરવામાં મદદ કરી રહ્યો છે.

તેમણે કહ્યું હતું કે “અમે ખૂબ જ સરસ રીતે કરી રહ્યા છીએ. “જો આપણે તાણ અને અસ્વસ્થતાનો અનુભવ કર્યો ન હોત તો, સતત ફેરફારો સાથે તે અસામાન્ય રહ્યુ હશે. અમે અનુકૂળ થઇ ફેરફારો કર્યા છે. અહીં અમારા દર્દીઓ પણ તેજસ્વી રહ્યા છે. અમને અહીં સારી ટીમ મળી છે, વિવિધ કૌશલ્યવાળા લોકોનું સારું મિશ્રણ છે. અમે બધા એકબીજાને ટેકો આપી અમારા દર્દીઓ માટે શક્ય તે બધું કરીએ છીએ.”

જોશુઆ પુરૂષોને સંકટમાં ટેકો આપતી માનસિક સ્વાસ્થ્ય ચેરિટી ‘મેન યુનાઇટ’માં પણ સ્વયંસેવક રહી ચૂક્યો છે.

તેણે મેન્ટલ હેલ્થ યુકે માટે £500 એકત્ર કરવા માટે ગયા વર્ષે હાફ મેરેથોન દોડી હતી. “આ મહિને હું તે જ ચેરીટી માટે જસ્ટગીવિંગ થકી 100 માઇલ દોડી રહ્યો છું અને અત્યાર સુધીમાં £795 એકત્ર કર્યા છે.”