(Photo by INDRANIL MUKHERJEE/AFP via Getty Images)

ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL)ની રિટેલ પેટાકંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ (RRVL)એ ઓનલાઇન ફર્નિચર અને હોમ ડેકોર કંપની અર્બન લેડરનો 96 ટકા હિસ્સો ખરીદ્યો છે. આ સોદો 182.12 કરોડ રૂપિયાના કેશ ટ્રાન્ઝેક્શનમાં થયો છે. RRVLની પાસે અર્બન લેડરનો બાકીનો હિસ્સો ખરીદવાનો પણ વિકલ્પ છે. તેનાથી કંપનીને અર્બન લેડરનું 100 ટકા શેર હોલ્ડિંગ મળી જશે.

BSEને આપવામાં આવેલી નિયમનકારી માહિતીમાં કંપનીએ જણાવ્યું હતું કે હાલ RRVL અર્બન લેડરમાં 75 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. બાકીનું રોકાણ ડિસેમ્બર 2023 સુધીમાં કરવામાં આવશે. ભારતમાં અર્બન લેડરની શરૂઆત 17 ડિસેમ્બર 2012ના રોજ થઈ હતી. અર્બન લેડર હોમ ફર્નીચર અને ડેકોર પ્રોડટક્સના વેચાણ માટેનું ડિજિટલ પ્લેટફોર્મ છે. સાથે જ અર્બન લેડરના દેશના ઘણા શહેરોમાં રિટેલ સ્ટોર પણ છે.

નાણાંકીય વર્ષ 2019માં અર્બન લેડરનું ટર્નઓવર 434 કરોડ રૂપિયા હતું. જ્યારે કંપનીને 49.41 કરોડ રૂપિયાનો નફો થયો હતો.આ સોદાથી રિલાયન્સ ગ્રુપના ડિજિટલ અને ન્યુ કોમર્સ ઈનિશિએટિવને મદદ મળશે. સાથે જ પોતાના ગ્રાહકોને વધુ ઉત્પાદન ઉપલબ્ધ કરાવી શકશે. આ સોદાથી રિલાયન્સને ગ્રાહકો અને બજારમાં પોતાની સ્થિતિ મજબૂત કરવામાં મદદ મળશે. RILનું કહેવું છે કે આ રોકાણને સરકારી કે રેગ્યુલેટરી એપ્રુવલની જરૂર નથી.