દુનિયામાં દરેક લોકોનું કોઇને કોઇ સ્વપ્ન હોય છે. 25 વર્ષીય ઋષિ શર્મા ભાડાની કારમાં સૂવે છે અને દિવસમાં એક વખત ભોજન કરે છે પરંતુ તેની ભાવના છે કે બીજા વિશ્વયુદ્ધમાં ભાગ લેનાર પીઢ સૈનિકો મૃત્યુ પામે તે પહેલાં તેમને દરેકને  મળે અને તેમના અનુભવો, યાદો અને વાતોની ફિસ્મ બનાવે.

બીજા વિશ્વયુદ્ધમાં ભાગ લેનાર અને હજુ સુધી જીવી રહેલા સૈનિકોને શોધી રહેલો ઋષિ શર્મા ન્યુ યોર્કના અપસ્ટેટમાં બફેલોના ઉપનગરમાં જંગલોની બાજુમાં પાર્ક કરેલી ભાડાની કારમાં સૂઈ રહ્યો હતો ત્યારે એક સવારે 2 વાગ્યે કારની બારી ખટખટાવતા જાગી ગયો હતો. એક પોલીસ અધિકારીએ તેને જગાડતા શર્માએ પોતાનો હેતુ કહેતા જ તે અધિકારી અચંબિત થઇ ગયા હતા. ઋષિ છેલ્લાં પાંચ – છ વર્ષથી બીજા વિશ્વયુદ્ધના દરેક હયાત લડાયક પીઢ સૈનિકોના ઇન્ટરવ્યુ લેવાના મિશન સાથે વિશ્વની મુસાફરી કરી રહ્યો છે. તેમની વાર્તાઓ સાચવવામાં આવે તે માટે તે દરેકનું ફિલ્માંકન કરી રહ્યો છે.

તે પોલીસ અધિકારીએ બીજા દિવસે સવારે યુએસએસ રેન્ડોલ્ફ પર સેવા આપતા પોતાના દાદાની મુલાકાત કરાવવાનું વચન પીને શર્માને ગુડનાઇટ કહ્યું હતું. યુવાન એશિયન-અમેરિકન શર્મા કિશોરાવસ્થાથી જ વિડિયો કૅમેરા સાથે દોડતો રહે છે અને નેવુંના દાયકાના સૌનિકોના લાંબા ઇન્ટરવ્યુ લેતો રહે છે અને યુદ્ધ વિશે અવિશ્વસનીય રીતે ચોક્કસ પ્રશ્નો પૂછતો રહે છે.

આ પ્રોજેક્ટની શરૂઆત તેણે હાઈસ્કૂલમાં હતો ત્યારે 17 વર્ષની ઉંમરે કરી હતી. આ માટેની એક ઑનલાઇન અપીલે તેને માટે $120,000 એકત્ર કર્યા હતો. તેણે આખા અમેરિકાના 49 રાજ્યોમાં, લગભગ આખા કેનેડામાં, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, યુકેમાં પ્રવાસ કર્યો છે. તે સતત ફરતો જ રહે છે. તેણે થોડા અઠવાડિયા પહેલા 1,720 ઇન્ટરવ્યુ લીધો હોવાનું જણાવ્યું હતું. તે હવે ખૂબ જ સસ્તામાં જીવવાનું, રોડ પર કારમાં જ સુવાનું અને લાંબી મુસાફરીઓ કરવાનું શીખી ગયો છે.

અમેરિકાના સાન્ટા મોનિકા હિલ્સમાં આવેલા અગોરા હિલ્સના શર્માના માતા-પિતાએ એરેન્જ મેરેજ કર્યા હતા અને તેઓ તેમની વીસીમાં કેલિફોર્નિયા આવ્યા હતા. તેના પિતા એકાઉન્ટન્ટ છે તો માતા એક નાની ખાનગી શાળામાં ભણાવે છે. શાળામાં બે શ્યામ છોકરાઓએ તેને અતંકવાદી કહેતા અને બુલીઇંગનો ભોગ બન્યા બાદ ઋષિ પોતાની જાતને મિત્રવિહીન માનતો હતો. તે સમયે તેણે સ્ટીફન એમ્બ્રોઝનું સિટીઝન સોલ્જર્સ નામનું પુસ્તક વાંચ્યું હતું. તેની વાર્તાઓમાંની એક 20 વર્ષીય લાયલ બૉક નામના અધિકારી વિશે હતી, જેની 18-સદસ્યોની ટુકડીએ ડિસેમ્બર 1944માં બલ્જની લડાઈ દરમિયાન લગભગ એક દિવસ માટે આખી જર્મન બટાલિયનને રોકી દીધી હતી. બસ શર્માએ તેમની મુલાકાતથી શરૂ કરેલી યાત્રા હજૂ ચાલુ જ છે.

$120,000 પૂરા થઈ ગયા બાદ હાલ તે યુટ્યુબ ચેનલ, ‘રિમેમ્બર WWII વિથ ઋષિ શર્મા’ દ્વારા થતી આવક પર નિભાવી રહ્યો છે. જો કે યુટ્યુબ પણ હવે તેને દર્શકોને જોવા ગમે તેવા વિડીયો બનાવવા કહે છે. તે કહે છે કે દરેક જણ તેના કામની પ્રશંસા કરે છે પરંતુ કોઈ મદદ કરી શકતું નથી. તેને મોટી આશા છે કે ટેલિવિઝન નિર્માતા તેના પર સીરીઝ બનાવવાનું નક્કી કરશે.

LEAVE A REPLY

5 × 3 =