જૉન્સનની ગેરહાજરીમાં વડા પ્રધાન બનવાની રેસના ટોચના દાવેદાર ચાન્સેલર ઋષિ સુનકે આજે ટોરી નેતા બનવાની મહત્વાકાંક્ષા છે કે કેમ તે વિષે કહેવાનો ત્રણ વખત ઇનકાર કર્યો હતો. તેમણે સાફ શબ્દોમાં આગ્રહ કર્યો હતો કે “દરેક કેબિનેટ મિનિસ્ટરની જેમ હું પણ વડા પ્રધાન માટે કામ કરૂં છું”.

‘’શું તમારી પાસે બોરિસ જૉન્સનની નોકરી અંગેની ડિઝાઈન છે’’ એમ પૂછાતા ચાન્સેલરે ITV ને કહ્યું હતું કે ‘’હું અર્થતંત્ર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું. ડેટા દર્શાવે છે કે એપ્રિલ અને જૂન વચ્ચે જીડીપીમાં 4.8 ટકાનો વધારો થયો છે. આજના (12 ઑગસ્ટ) આંકડા દર્શાવે છે કે અમે નોકરીઓ માટેની જે યોજના અમલમાં મૂકી હતી તે કામ કરી રહી છે. મારૂ એકમાત્ર ધ્યાન એ સુનિશ્ચિત કરવાનું છે કે અમે મજબૂત અને શક્ય તેટલી ઝડપથી રીકવરી મેળવી શકીએ.”

સુનકે નકારી કાઢ્યું હતું કે તે અને જૉન્સન મુસાફરી પરના પ્રતિબંધો હટાવવા બાબતે અસંમત હતા અથવા ટોરી સભ્યોમાં તેમની વધતી જતી લોકપ્રિયતાએ તેમના સંબંધો પર દબાણ ઉભુ કર્યું હતું. પોતાની વડા પ્રધાન બનવાની મહત્વાકાંક્ષા અંગે તેમણે બે વાર કહ્યું હતું કે “હું આ બાબતો પર કોઈ ધ્યાન આપતો નથી. હું માત્ર અર્થતંત્ર, નોકરીઓ અને રીકવરી પર ધ્યાન આપું છું.

આ મહિનાની શરૂઆતમાં કન્ઝર્વેટિવ હોમ વેબસાઇટ દ્વારા ટોરી સભ્યોના સર્વેમાં જૉન્સન કેબિનેટના ચોથા સૌથી ઓછા લોકપ્રિય સભ્ય બન્યા હતા અને તેમનું રેટિંગ ચાર અઠવાડિયામાં 36 પોઇન્ટ સુધી ઘટ્યું હતું. જ્યારે સંતોષની દ્રષ્ટિએ સુનક બીજા સૌથી લોકપ્રિય મિનિસ્ટર હતા. જૉન્સનના અનુગામી બનવાની દોડમાં સુનક સૌથી લોકપ્રિય ઉમેદવાર તરીકે ઉભરી આવ્યા હતા.