સ્વ શાંતાબેન પટેલ

ભારતમાં નવસારી નજીકના કુરેલ ગામમાં જન્મેલા અને યુકેમાં વૉલસોલ ખાતે રહેતા શ્રીમતી શાન્તાબેન નરસિંહભાઇ પટેલનું 11 ઓગસ્ટ 2021ના રોજ અવસાન થયું હતું.

1 ઓગસ્ટ 1931ના રોજ જન્મેલા શાન્તાબેન પતિ નરસિંહભાઇ દેવાભાઇ પટેલ સાથે પરણ્યા બાદ કેન્યા ગયા હતાં. જ્યાં તેમણે એમ્બુ ટાઉન નજીક બરીચો ગામમાં દુકાન ઉભી કરી હતી અને 6 બાળકોને જન્મ આપ્યો હતો. તેઓ 1966માં ભારત જઇ 1968માં યુકે આવ્યા હતા. હંમેશા સાચી વાતનું સમર્થન કરતા શાન્તાબેને 1969માં પતિને ગુમાવ્યા બાદ બેબ સીટીંગનું કામ શરૂ કર્યું હતું. તેમણે ખૂબ જ મુશ્કેલીઓ વેઠીને પરિવારને સધ્ધર કર્યો હતો અને અને હંમેશા પોતાના સંતાનોમાં સારા સંસ્કારનું સિંચન કરી નમ્ર બનવા અને હંમેશા અન્ય સાથે વહેંચવાની શિખામણ આપી હતી. તેઓ એક મજબૂત મહિલા હતા અને સારા નરસા પ્રસંગોએ હંમેશા પોતાના સંતાનોની પડખે ઉભા રહ્યા હતા. તેમણે પારિવારિક સધ્ધરતા મળ્યા બાદ વિશ્વની મુસાફરી કરી ખોવાયેલું જીવન ફરી જીવવાનું શરૂ કર્યું હતું. જો કે તેમના જીવનનું છેલ્લું વર્ષ ડિમેન્શિયાની બીમારીને કારણે મુશ્કેલ રહ્યું હતું.

શાંતાબેનના એક પુત્ર નરેન્દ્રભાઇ ફાર્માસિસ્ટ છે અને તેઓ બર્મિંગહામ વિસ્તારમાં 7 ફાર્મસીઓની ચેઇન ધરાવતા હતા. જેને તેમણે પાછળથી વેચી દીધી હતી. નરેન્દ્રભાઇએ પોતાની માતાને અંજલિ આપતાં જણાવ્યું હતું કે ‘’હું મારી સંપૂર્ણ સફળતા માટે મારી માતાની સખત મહેનત કરવાની અને જાત સાથે પ્રમાણિક બનવાની સલાહ, સંસ્કારો અને ઉછેરને શ્રેય આપુ છું. તેઓ દર શિયાળામાં મહાભારત અને રામાયણ વાંચતા હતા. તેઓ ધોરણ 8માં અભ્યાસ કરતા હતા ત્યારે તેમના મમ્મી ગુજરી જતા બે નાની બહેનો અને પરિવારની સંભાળ રાખવા તેમને શાળા છોડવી પડી હતી. મારી માતા ખરેખર સુપર વુમન હતી.’’

શાંતાબેનના સંતાનો સરસ્વતીબેન, ભાઈઓ સ્વ. વિનોદભાઇ, જયંતીભાઇ અને નરેન્દ્રભાઇના વિશાળ પરિવારને વિલાપ કરતા મૂકી ગયા છે. પરમ કૃપાળુ પરમાત્મા સદ્ગત શાંતાબેનના આત્માને શાશ્વત શાંતિ અર્પે તેવી ગરવી ગુજરાત પરિવારની પ્રાર્થના.

સંપર્ક: નરેન્દ્રભાઇ પટેલ 07956 120 751.