ચાન્સેલર ઓફ ધ એક્સચેકર ઋષિ સુનકે તેમના સસરા અને ઇન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિએ જે કંઈ સફળતા હાંસલ કરી છે તેના માટે ગર્વ અનુભવતા હોવાનું જણાવી તેમની પ્રશંસા કરી હતી.

ઋષિ સુનકે કહ્યું હતું કે ‘’રશિયા સાથેના તેમના સંબંધો અંગે તેમની પત્ની અને સસરાની ટીકાથી “ખૂબ જ નારાજ” છે. અમને બદનામ કરવામાં આવી રહ્યા છે.’’ પત્ની, અક્ષતા મૂર્તિ અને સસરા, નારાયણ મૂર્તિનો બચાવ કરવા માટે ચાન્સેલરે બીબીસીના ન્યૂઝકાસ્ટ પોડકાસ્ટ સાથેની મુલાકાતનો ઉપયોગ કર્યો હતો.

રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અને મોસ્કોમાં ઇન્ફોસિસની હાજરીને પગલે પોતાની પત્ની અને પરિવાર પર થઇ રહેલા હુમલાઓના સંદર્ભમાં સુનકે ગુરુવારે બીબીસીના ‘ન્યૂઝકાસ્ટ’ પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે, “મને લાગે છે કે, લોકો મારી પત્ની પર હુમલો કરે છે અને આક્ષેપો કરે છે તે ખોટું છે. તેનાથી આગળ, લોકો મારા સસરાના સંદર્ભમાં કહે છે. તેમને માટે, તેમની દરેક બાબત માટે, તેમણે જે હાંસલ કર્યું છે તે માટે મારી પાસે પ્રચંડ ગર્વ અને પ્રશંસા સિવાય બીજું કંઈ નથી. અને તે કોઈ પણ પ્રયત્નોથી બદલાશે નહીં, કારણ કે તેઓ અદ્ભુત છે.”

તેમણે તાજેતરના લોસ એન્જલસ, યુએસમાં એકેડેમી એવોર્ડ સમારંભ દરમિયાન ઓન-સ્ટેજ હોલીવુડ સ્ટાર્સ વિલ સ્મિથ અને ક્રિસ રોક વચ્ચેની અથડામણનો પણ ઉલ્લેખ કર્યો હતો જેમાં રોકે સ્મિથની પત્નીને નિશાન બનાવી મજાક કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘’વિલ સ્મિથ અને મારી પત્ની પર હુમલો કરાયો હતો. ઓછામાં ઓછું મેં ઉભા થઈને કોઈને થપ્પડ મારી નથી, જે સારું છે.”

રશીયા સામેના કડક પ્રતિબંધોની પૃષ્ઠભૂમિ સામે ઇન્ફોસિસની રશિયામાં હાજરીને પગલે ઋષી સુનક પર હુમલા થઇ રહ્યા છે. સુનકના સસરા નારાયણ મૂર્તિ વિશ્વના સૌથી ધનાઢ્ય માણસોમાંના એક છે અને તેમણે રશિયામાં કાર્યરત IT સેવાઓ અને કન્સલ્ટન્સી કંપની ઇન્ફોસિસની સ્થાપના કરી છે. મોટાભાગની મોટી વૈશ્વિક IT અને કન્સલ્ટન્સી ફર્મ્સ રશીયામાંથી બહાર નીકળી ગઈ છે. ચાન્સેલરની પત્ની ઇન્ફોસિસમાં અંદાજિત £690 મિલિયનનો 0.91 ટકા હિસ્સો ધરાવે છે.