રિઝ અહેમદ અને અનીલ કોરિયા તેમની ઓસ્કાર ટ્રોફી સાથે REUTERS/Mario Anzuoni

બ્રિટિશ પાકિસ્તાની અભિનેતા અને મ્યુઝિશિયન રિઝ અહેમદને અનીલ કારિયાની લાઇવ-એક્શન શોર્ટ ફિલ્મ ‘ધ લોંગ ગૂડબાય’ માટે પ્રથમ ઓસ્કાર મળ્યો છે. આ ફિલ્મના તેઓ સહ-લેખક અને અભિનેતા છે.

એવોર્ડ સ્વીકારતા 39 વર્ષીય અહેમદે જણાવ્યું હતું કે અમે માનીએ છીએ કે આવા વિભાજિત સમયમાં સ્ટોરીની ભૂમિકા ‘આપણે’ અને ‘તેઓ’ એ યાદ અપાવવાની નથી, પરંતુ માત્ર ‘આપણે’ મહત્ત્વનું છે. તેમણે યુક્રેન યુદ્ધ લડી રહ્યું છે તેવા સમયે એકતાના મહત્ત્વ અંગેની વાત કરી હતી.

અહેમદને ગયા વર્ષે સાઉથ ઓફ મેટલમાં બધિર ડ્રમરની ભૂમિકા માટે ઓસ્કારમાં નોમિનેટ કરાયા હતા, પરંતુ એન્થની હોપકિન્સને ઓસ્કાર મળ્યો હતો. ‘ધ લોંગ ગૂડબાય’માં અહેમદના સમાન નામના આલ્બમનું મ્યુઝિક છે, જે બ્રિટિશ પાકિસ્તાની કલાકાર તરીકે તેમની ઓળખ દર્શાવે છે. આ ફિલ્મમાં સબર્બ લંડનમાં રહેતા સાઉથ એશિયન ફેમિલીની વાર્તા છે, જેમની ઉજવણીની તૈયારીમાં શ્વેત મિલિશિયાના ન્યૂઝ રિપોર્ટથી ખલેલ પડે છે.