પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસિસ બંધ થયા બાદ કેન્દ્ર સરકારે આ મહત્ત્વકાંક્ષી દરિયાઈ પરિવહન પ્રોજેક્ટ્સને અલગ રૂટ પર ચાલુ કરવાની યોજના બનાવી છે. 8 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘોઘા-હજીરા રો-રો સર્વિસિસનું ઇ-લોકાર્પણ કરશે.

નવનિર્મિત રોરો ટર્મિનલ પોર્ટનું તથા સુરતના હજીરા બંદરેથી ભાવનગરના ઘોધા બંદર માટે રો-પેક્સ ફેરી સેવાનો પ્રારંભ થશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે, તેવું કેન્દ્રીય શિપિંગ રાજ્યપ્રધાન મનસુખ માંડવીયાએ રવિવારે જણાવ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું હતું કે, દરિયાઇ માર્ગે સૌરાષ્ટ્ર અને સુરત વચ્ચેનું મુસાફરીનું અંત 370 કિમીની જગ્યાએ ઘટીને 50 કિમી થશે. સૌરાષ્ટ્રના લાખો લોકો વર્ષોથી ધંધાર્થે સુરતમાં સ્થાયી થયા છે. જેઓને સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે 10થી 12 કલાકની રોડ મુસાફરી કરવી પડે છે. હજીરાથી શરૂ થનાર આ રો-પેક્સ સેવાને કારણે આ મુસાફરી માત્ર 4 કલાકની થઈ જશે. વળી, લોકો પોતાની સાથે મોટર સાઈકલ કે કાર પણ ગામડે લઇ જઈ શકશે, જે પહેલા સંભવ નહોતું અથવા તો ખર્ચાળ અને સમય માંગી લેનારું હતું. ગુજરાતમાં રો-પેક્સ ફરી સર્વિસિસ ચાલુ કરવાનો આ બીજો પ્રયાસ છે. અગાઉ ઘોઘા-દહેજ સર્વિસને ટેકનિકલ કારણોસર બંધ કરવામાં આવી હતી.