(ANI Photo/Ishant)

ભારતમાં ખૂબજ લોકપ્રિય બની ચૂકેલી આઈપીએલની મહિલાઓ માટેની આવૃત્તિ, વિમેન્સ પ્રિમિયર લીગના બીજા વર્ષે રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) ચેમ્પિયન બની હતી. રવિવારે (17 માર્ચ) રમાયેલી ફાઈનલમાં બેંગલોરની ટીમે દિલ્હી કેપિટલ્સ (DC) ને 8 વિકેટે હરાવી ટાઈટલ હાંસલ કર્યું હતું. સ્મૃતિ મંધાનાના સુકાન હેઠળની RCB ટીમની યુવતીઓએ પુરૂષોની ટીમ 16 વર્ષમાં જે હાંસલ કરી શકી નથી તે બીજા જ વર્ષે હાંસલ કરી બતાવ્યું હતું.

ગયા વર્ષે પ્રથમ સીઝનમાં ચેમ્પિયન બનેલી મુંબઈ ઈન્ડિયન્સ (MI) ની ટીમ શુક્રવારે એલિમિનેટર મેચમાં રસાકસીભર્યા જંગમાં બેંગલોર સામે ફક્ત પાંચ રને હારી ગઈ હતી, તો રનર્સ-અપ દિલ્હી કેપિટલ્સ માટે બીજી ફાઈનલ પણ નિરાશા લાવી હતી. ગયા વર્ષે તે મુંબઈ સામે ફાઈનલમાં હારી ગઈ હતી.

રવિવારે દિલ્હી કેપિટલ્સની સુકાની મેગ લેનિંગ્સે ટોસ જીતી પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો અને ટીમ 18.3 ઓવરમાં ફક્ત 113 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બે ઓપનર્સ – સુકાની મેગ લેનિંગ્સ અને શેફાલી વર્માએ હરીફ બોલર્સનો પ્રતિકાર કર્યો હતો. શેફાલી વર્માએ ફક્ત 27 બોલમાં ત્રણ છગ્ગા અને બે ચોગ્ગા સાથે 44 રન કર્યા હતા, તો મેગ લેનિંગે 23 બોલમાં 23 રન કર્યા હતા. તે સિવાય બીજી ફક્ત બે બેટર બે આંકડાના સ્કોરે પહોંચી હતી. બેંગલોર તરીકે સોફી મોલિનેક્સે ત્રણ અને શ્રેયાંકા પાટીલે ચાર વિકેટ લીધી હતી.

જવાબમાં બેંગલોરની ટીમે 19.3 ઓવરમાં ફક્ત બે વિકેટ ગુમાવી 115 રન કરી દિલ્હીને આઠ વિકેટે હરાવી હતી. સુકાની સ્મૃતિ મંધાના અને સોફી ડેવિને અનુક્રમે 31 અને 32 રન કર્યા હતા, તો એલિસે પેરીએ અણનમ 35 તથા રીચા ઘોષે અણનમ 17 રન કર્યા હતા. સોફી મોલિનેક્સને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાઈ હતી.

 

LEAVE A REPLY

10 + fourteen =