ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુરુવારે તાઉ-તે વાવાઝોડાથી વધુ અસરગ્રસ્ત અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામની મુલાકાત લીધી હતી.

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુરુવારે રાજ્યના વાવાઝોડાથી અસરગગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. રૂપાણી સવારે ઉના તાલુકાના ગરાળ ગામે પહોંચ્યા હતા અને ગામના સરપંચ તથા ગ્રામજનો પાસેથી તાઉ-તે વાવાઝોડાને કારણે ગામમાં સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવી હતી. તેમણે ગામના લોકો સાથે વાતચીત કરીને આ આપદામાં રાજ્ય સરકાર તેમની પડખે હોવાનો સધિયારો આપ્યો હતો.

વિજય રૂપાણી સાથે આ મુલાકાત દરમિયાન મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર તેમજ અગ્રણીઓ પણ જોડાયા હતા. રૂપાણીએ ગાંધીનગરથી હવાઇ માર્ગે ઉનાના ગરાળ ગામે પહોંચતા સુધી માર્ગમાં આવતા ગામો-વિસ્તારોમાં તાઉતે વાવાઝોડાએ સર્જેલી વિકટ સ્થિતિ અને નુકશાનીનું હવાઇ નિરીક્ષણ પણ કર્યુ હતું.

મુખ્યપ્રઘધાને ઉના પ્રાંત અધિકારીની કચેરીમાં જિલ્લા તંત્રના અધિકારીઓ, અગ્રણીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને સમગ્ર સ્થિતિની વિગતો મેળવી હતી. આ બેઠકમાં તેમણે કહ્યું કે, વાવાઝોડાથી પ્રભાવિત થયેલા ઉના સહિતના દરિયાઇ પટ્ટીના તાલુકાઓને યુદ્ધના ધોરણે ફરી બેઠા કરી પૂર્વવત કરવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. તેમણે અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકશાનીના પ્રાથમિક અંદાજો તૈયાર કરવા જિલ્લા તંત્રને માર્ગદર્શન આપ્યું હતું. સીએમએ ખેતી-બાગાયતી પાકો તેમજ મકાનોને થયેલા વ્યાપક નુકશાન અંગે તાત્કાલિક સર્વે કામગીરી હાથ ધરીને નિયમાનુસારની રાહત ગ્રામજનોને આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

રાજ્ય સરકારે કોર કમિટીમાં એવો નિર્ણય પણ કર્યો હતો કે, તાઉ-તે વાવાઝોડાના કારણે સ્થળાંતર થયેલા વ્યક્તિઓને ગુરૂવારથી જ કેશડોલ્સ આપવાનું પણ શરૂ કરાશે. પુખ્ત વયની વ્યક્તિઓને પ્રતિદિન રૂ. ૧૦૦ અને બાળકોને એક દિવસના રૂ. ૬૦ લેખે કેશડોલ્સ આપવામાં આવશે. જે લોકોનું સ્થળાંતર ૧૬ કે ૧૭મીથી કરવામાં આવ્યુ હશે. તેઓને ૭ દિવસની કેશડોલ્સ ચુકવાશે. જ્યારે જેમનું સ્થળાંતર ૧૮મી એ કર્યુ હશે, તેમને ૩ દિવસની કેશડોલ્સ રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવશે. રૂપાણીએ ઉના તાલુકાના ગરાળ, રાજુલા તાલુકાના કોવાયા તથા જાફરાબાદ તાલુકાના પીપરીકાંઠા ગામો સહિત પ્રભાવિત વિસ્‍તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું.

રૂપાણીએ ગરીબ-મઘ્‍યમ વર્ગના લોકોના મકાનોનને વાવાઝોડાના કારણે પહોચેલ નુકશાનીનો સર્વે હકારાત્મક વલણ સાથે કરવા તાકીદ કરી હતી. ઉના પાલિકા વિસ્તારમાં તાત્કાલિક સાફ સફાઇ કરવા, રોડ પર પડેલા વૃક્ષોની આડશ દૂર કરવા તથા અન્ય રિસ્ટોરેશનની કામગીરી માટે જરૂર લાગે ત્‍યાં અન્ય તાલુકા-જિલ્લામાંથી માણસો બોલાવી આગામી બે દિવસમાં તમામ કામગીરી પૂર્ણ કરવા પણ તાકીદ કરી હતી.