ઉત્તરપ્રદેશમાંથી ભાજપના સાંસદ સાક્ષી મહારાજ . (ANI Photo)

ઉત્તરપ્રદેશમાંથી ભાજપના સાંસદ સાક્ષી મહારાજે રવિવારે ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. તેમણે હિન્દુઓને ઘરમાં તીર કામઠાં રાખવાની સલાહ આપીને જણાવ્યું છે કે જેહાદી ધાડાં આવી પહોંચે ત્યારે પોલીસ તમારું રક્ષણ કરશે નહીં. તેમણે મુસ્લિમ ટોપી પહેરી પહેરેલા અને હાથમાં લાડકીઓ સાથેના એક ટોળાનો ફોટો ફેસબૂક પેજ પર મૂક્યો છે.

આ ફોટાની નીચે તેમણે લખ્યું છે કે “જો આ ધાડું એકાએક તમારા ઘર કે રસ્તામાં ધસી આવશે તો તમારી પાસે આત્મરક્ષા માટે કયો રસ્તો હશે? કોઇ ઉપાય ન હોય તો થોડી તૈયારી કરો. પોલીસ તમને બચાવવા નહીં આવે, તેઓ પોતાની જાતને બચાવવા છુપાઈ જશે. આ લોકો જેહાદ કરીને પરત જશે તે પછી જ પોલીસ આવશે. આ મુદ્દે તપાસ સમિતિ રચાશે અને થોડા સમય પછી તેનો વીંટો વળી જશે. આવા મહેમાનો માટે દરેક ઘરમાં ઠંડા પીણાના બે બોક્સ અને અસલ ધનુષ્યબાણ રાખો, જય શ્રી રામ.”

આ ફેસબૂક પોસ્ટ અંગે પૂછવામાં આવતા સાક્ષી મહારાજે જણાવ્યું હતું કે તેઓ આ ટીપ્પણી સાથે સંપૂર્ણપણે સંમત છે. આવી ભડકાઉ પોસ્ટની કેમ જરૂરી છે તેનો સીધો જવાબ આપવાનું ટાળતા તેમણે સવાલ કર્યો હતો કે શું માત્ર હિન્દુઓએ માર ખાવાનો?