જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્પ્રધાન મહેબૂબા મુફ્તી ) (Photo by TAUSEEF MUSTAFA/AFP via Getty Images)

કોંગ્રેસના નેતા સલમાન ખુરશીદે પોતાના એક પુસ્તકમાં કેટલાંક લોકો દ્વારા પ્રચાર કરવામાં આવતા હિન્દુત્વની સરખામણી ISIS અને બોકો હરામ જેવા કટ્ટરવાદી જેહાદી સંગઠનો કરતાં ઊભા થયેલા વિવાદમાં હવે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ના વડા મહેબૂબા મુફ્તીએ પણ ઝુકાવ્યું છે. મહેબૂબાએ સલમાન ખુરશીદને સમર્થન આપતા જણાવ્યું હતું કે ધર્મના નામે લોકોની હત્યા કરનારા સંગઠનોની સાથે રાજકીય પક્ષોની સરખામણીમાં કંઇ ખોટું નથી.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને ભારતીય જનતા પાર્ટી પર હિન્દુત્વ અને હિન્દુ ધર્મનું અપહરણ કરવાનો આક્ષેપ કરતાં મહેબૂબાએ જણાવ્યું હતું કે સનાતન ધર્મ સાંપ્રદાયિકતાની શીખામણ આપતો નથી.

ખુરશીદે તેમના પુસ્તકમાં લખ્યું છે કે સનાતન ધર્મ અને પરંપરાગત હિન્દુત્વ ઋષિ, મુનિયો અને સંતો માટે જાણીતો છે, પરંતુ એક અલગ સ્વરૂપ દ્વારા તેને એક બીજા માર્ગ પર ધકેલવામાં આવી રહ્યો છે.

હિન્દુત્વનું આ રાજકીય સ્વરૂપ તમામ માપદંડોમાં ISIS અને બોકો હરામ જેવા જેહાદી ઇસ્લામી સંગઠનો જેવું છે.
મહેબૂબાએ પીડીપી કાર્યાલય બહાર પત્રકારોને જણાવ્યું હતું કે સાંપ્રદાયિક પક્ષ હિન્દુ અને મુસ્લિમોને એકબીજા સાથે લડાવવા માગે છે અને ધર્મના નામ પર લિચિંગ કરવા માગે છે. તમે આવી પાર્ટીઓની તુલના ISIS અથવા બીજા સમાન વિચારધારા ધરાવતા સંગઠનો સાથે કરી શકો છો, કારણ કે બંને ધર્મના નામ પર લોકોના જીવ લે છે.
ખુરશીદ પુસ્તક અંગેના એક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે સનાતન ધર્મ આપણને સાંપ્રદાયિકતા શીખવાડતો નથી. આરએસએસ, જનસંઘ અને ભાજપ દેશમાં ધર્મના નામે લોકોને એકબીજા સાથે લડાવા માગે છે. તેમણે હિન્દુત્વ અને હિન્દુ ધર્મને હાઇજેક કર્યો છે.

જમ્મુ કશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાને ”વસુધૈવ કુટુંબકમ”નો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે સનાતન ધર્મ આપણને વસુધૈવ કુટુંબકમનો ઉપદેશ આપે છે, જ્યારે ભાજપ અને આરએસએસ આપણે એ શીખવાડવાનો પ્રયાસ કરે છે કે જે હિન્દુત્વ કે હિન્દુ ધર્મ નથી.