( RAVEENDRAN/AFP via Getty Images)

લોકડાઉનના સમયથી બંધ રહેલા અને સાસણગીરમાં આવેલા દેવળિયા પાર્કમાં પ્રવાસીઓ ગુરુવારથી સિંહદર્શન કરી શકશે. આ સાથે જ જૂનાગઢમાં આવેલું સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય પણ આજથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. કોવિડની ગાઇડલાઈન્સ પ્રમાણે જ પ્રાણી ઉદ્યાનોમાં પ્રવેશ આપવામાં આવશે. હાલ ગીર અભયારણ્ય, સાસણગીર અને દેવળિયા સફારી પાર્કમાં પ્રવેશ માટે ઓનલાઇન પરમિટનું બુકિંગ શરૂ થઈ ગયું છે.

પ્રવાસીઓ વેબસાઇટ પરથી જ પરમિટ બુક કરી શકાશે. પ્રવાસીઓએ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વખતોવખત બહાર પાડવામાં આવતી માર્ગદર્શિકાઓનું પણ પાલન કરવાનું રહેશે. જોકે 10 વર્ષથી નીચેનાં અને 65 વર્ષથી ઉપરનાને પ્રવેશ નહીં અને માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.

જૂનાગઢનું દોઢસો વર્ષ કરતાં જૂનું સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય ફરીથી ખૂલી ગયું છે. પાંજરાંને પણ સેનિટાઇઝ કરવામાં આવ્યાં છે. જ્યારે એક દિવસમાં માત્ર 500 મુલાકાતીને જ પ્રવેશ આપવામાં આવશે. અંદર પ્રવેશનારા તમામ મુલાકાતીઓ માટે ગાઇડલાઇન્સ જારી કરવામાં આવી છે, જેમાં દો ગજકી દૂરી, માસ્ક ફરજિયાત સહિતના નિયમોનું પણ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.