બાંગ્લાદેશના મૈમનસિંહમાં ભારતના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને લેખક સત્યજીત રેના પૂર્વજોના ઘરને તોડી પાડવાના અહેવાલો અંગે ભારતે મંગળવારે દુઃખ વ્યક્ત કર્યું હતું. ભારતમાં આ જુના ઘરના સમારકામ અને પુનર્નિર્માણમાં મદદ કરવાની અને તેને મ્યુઝિયમમાં ફેરવવાની ઓફર કરી હતી.
આ મકાન અગાઉ મૈમનસિંહ શિશુ એકેડમી તરીકે જાણીતું હતું. ભારતની ઓફર છતાં આ ઐતિહાસિક ઇમારતને આખરે તોડી પાડવામાં આવી હતી. પ્રખ્યાત સાહિત્યકાર ઉપેન્દ્ર કિશોર રે ચૌધરી, પ્રસિદ્ધ કવિ સુકુમાર રેના પિતા અને ફિલ્મ નિર્માતા સત્યજીત રેના દાદા હતા, જે અહીં આ ઘરમાં રહેતા હતા. 100 વર્ષ જૂની આ ઇમારત પર લાંબા સમયથી ધ્યાન આપવામાં આવ્યું ન હતું અને તેનાથી તે જર્જરિત બન્યું હતું. ભારતીય વિદેશ મંત્રાલય (MEA)એ બાંગ્લાદેશ સરકારને કહ્યું કે, આ ઘર બંગાળી સાંસ્કૃતિક પુનર્જાગરણ સાથે જોડાયેલું ઐતિહાસિક સ્થળ છે. આ ઇમારતનો જીર્ણોદ્ધાર કરવામાં આવી શકે છે અને તેને સહિયારા વારસાની ઉજવણી કરતાં સાહિત્યિક સંગ્રહાલયમાં રૂપાંતરિત કરી શકાય છે.
પશ્ચિમ બંગાળાની સત્તાધારી પાર્ટી ટીએમસીના નેતા અભિષેક બેનર્જીએ જણાવ્યું હતું કે તે જાણીને ખૂબ જ દુઃખ થયું છે કે ઢાકામાં ઓસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા સત્યજીત રેનું પૈતૃક ઘર કથિત રીતે બાંગ્લાદેશી અધિકારીઓએ તોડી પાડ્યું છે. ઐતિહાસિક અને સાંસ્કૃતિક દ્રષ્ટીએ આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સ્થળ હતું અને તેને ખંડેરમાં ફેરવવું એ આપણા વારસા માટે આઘાતજનક છે. તે વૈશ્વિક કલામાં રે પરિવારના યોગદાનને નષ્ટ કરવા જેવું છે.
