અમદાવાદની જાણીતી સાયન્સ સિટી ખાતે આ વર્ષે ઉનાળાના વેકેશનમાં મુલાકાતીઓની સંખ્યાનો રેકોર્ડ સર્જાયો છે. આ વર્ષે માત્ર મે મહિનામાં 1.39 લાખ મુલાકાતીઓએ સાયન્સ સિટીની મુલાકાત લીધી છે. 20 વર્ષ અગાઉ સાયન્સ સિટીની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીની આ સૌથી વધુ મુલાકાતીઓની માસિક સંખ્યા નોંધાઈ છે. જેમાં એક્વેટિક ગેલેરી, રોબોટિક ગેલેરી અને નેચર પાર્ક મુલાકાતીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
સાયન્સ સિટી ખાતેની એક્વેટિક ગેલેરી અત્યાધુનિક સીસ્ટમથી સજ્જ છે, જે ભારતનું સૌથી મોટું એક્વેરિયમ છે. અહીં આવતા મુલાકાતીઓને સમુદ્રની અંદરના વિશ્વને જોવા મળ તે માટે આ એક્વેરિયમ તૈયાર કરવામાં આવ્યું છે. આ એક્વેરિયમમાં અલગ- અલગ 68 ટેન્કમાં શાર્ક સહિતની ઘણી પ્રજાતિઓ જોવા મળે છે અને આ માટે 28 મીટરની અંડરવોટર વોક વે ટનલ પણ તૈયાર કરવામાં આવી છે.
આ એક્વેટિક ગેલેરીમાં 188 પ્રકારની 11,600થી વધુ માછલીઓ એક જ સ્થળે જોઈ શકાય છે. અહીં ગેલેરીમાં ઈન્ડિયન ઝોન, એશિયન ઝોન, આફ્રિકન ઝોન, અમેરિકન ઝોન, ઓસન્સ ઓફ ધ વર્લ્ડ સહિતના ૧૦ અલગ-અલગ ઝોનની જળચર સૃષ્ટિ દર્શાવવામાં આવી છે. દરિયાઈ દુનિયાના રોમાંચક અનુભવ માટે 5-ડી થિયેટર પણ છે.
આ ઉપરાંત સાયન્સ સીટી ખાતે 11,૦૦૦ સ્કેવર મીટર વિસ્તારમાં અત્યાધુનિક રોબોટિક ગેલેરીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં 79 પ્રકારના 200થી વધુ રોબોટ છે.