(Photo by Jeff J Mitchell/Getty Images)

સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનીસ્ટર અને એસ.એન.પી. નેતા નિકોલા સ્ટર્જેને તા. 4ના રોજ બપોરે નવા કડક કોરોનાવાયરસ પ્રતિબંધો જાહેર કર્યા હતા અને તા. 4ની મધ્યરાત્રિથી સ્કોટલેન્ડમાં નવા પગલાં અમલમાં આવશે તેવી જાહેરાત કરી હતી. તેમણે જાન્યુઆરીમાં બધાને ઘરે રહેવાનો અને શાળાઓ તા. 1 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે તેવો આદેશ આપ્યો હતો.

ગઈકાલે સ્કોટલેન્ડે પુષ્ટિ કરી છે કે કોરોનાવાયરસના નવા 2,464 કેસ નોંધાયા છે. કસરત, ખરીદી, કામ-ધંધો અને આવશ્યક મુસાફરી વગર લોકોને ઘર છોડવાની મંજૂરી આપવામાં આવશે નહિં. બે ઘરના મહત્તમ માત્ર બે લોકોને મળવા દેવાશે અને આઉટડોર મેળાવડા પરના નિયમો કડક કરવામાં આવશે. આ શુક્રવારથી પૂજા સ્થળો બંધ રહેશે, પરંતુ લગ્ન અને અંતિમ સંસ્કાર ચાલુ રહેશે. મહત્તમ 20 લોકોને અંતિમ સંસ્કારની સેવાઓમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે અને લગ્નમાં વધુમાં વધુ પાંચ લોકોને જોડાવાની મંજૂરી આપવામાં આવશે.

શ્રીમતી સ્ટર્જને જણાવ્યું હતું કે સરહદના ઉત્તર છેડે ચેપનો ‘તીવ્ર વધારો’ હોવાને કારણે કડક નવા કર્બ્સ જરૂરી છે અને ચેતવણી આપી હતી કે જો જરૂરી હશે તો લોકડાઉન જાન્યુઆરી પછી પણ લંબાવી શકાય છે.