ચાર દેશોને ‘એ’ વર્ગની ડ્રગ સપ્લાય કરવાના આરોપસર ગુજરાતી સહિત 22 ભારતીયોને લેસ્ટર ક્રાઉન કોર્ટે કુલ થઇને એક સો વર્ષની સજા ફટકારી હતી. આ લોકો ડ્રાગના કારોબારમાંથી કરોડો પાઉન્ડ કમાવી ખૂબ જ વૈભવી જીવન ગુજારતા હતા.

આ ટોળકીમાં 34 વર્ષના સુખપાલ ધારીવાલનો પણ સમાવેશ થતો હતો જેણે પોતાની જગ્યાનો ડ્રાગના કાળા કારોબાર માટે ઉપયોગ કરવાની ટોળકીને છુટ આપી હોવાની કબુલાત કરતાં તેને આઠ મહિનાની સજા કરાઇ હતી.ઉપરાંત 12 મહિનામાં વગર પગારે 120 કલાક કામ કરવાની પણ સજા કરાઇ હતી.

30 વર્ષના પ્રદીપ દેહાલે પણ કલાસ ‘એ’અને ક્લાસ ‘બી’ડ્રગને સપ્લાય કરવાના ગુનાની કબુલાત કરતાં તેને ત્રણ વર્ષની સજા ફટકારાઇ હતી. એવી જ રીતે પોતાના ગુનાની કબુલાત કરનાર કાસિમ સારંગને પણ પાંચ વર્ષ અને ચાર મહિનાની સજા સંભળાવવામાં આવી હતી. ક્લાસ એ અને બીને સપ્લાય કરવાના અપરાધની કબુલાત કરનાર ગુજરાતી મૂળના 37 વર્ષના દીપક મોઢવાડિયાને છ વર્ષ અને નવ મહિનાની સજા ફટકારવામાં આવી હતી.

આ ટોળકીનો મહત્ત્વના સભ્ય લિવરપુલના કેવિન ડનકાફને 16 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.પોલીસે કહ્યું હતું કે તેમણે આ ટોળકી પાસેથી કોકેઇન, કેનેબીઝ,કેનેબિઝના છોડ, રોકડ રકમ અને ખાસ બનાવેલી ઘડિયાળો સહિત અનેક વૈભવી આઇટમો કબજ કરી હતી.

ડીટેકટિવ ઇન્સપેકટર લી હંટે કહ્યું હતું ‘આ ટોળકીને હવે કુલ થઇને એક સો કરતાં પણ વધુ વર્ષની સજા ભોગવવી પડશે.તેમને ફટકારવામાં આવેલી સજા અને તેમની વિરૂધ્ધ કરાયેલા કાર્યવાહી દર્શાવે છે કે અમે અને અમારી અદાલતો આવા ગુનાઓ પ્રત્યે કેટલી ગંભીર છે’.

ઉપરાંત કોર્ટે એમ પણ કહ્યું હતું કે ‘ આ અપરાધીઓ એક સંગઠીત ટોળકીના સભ્યો છે જેઓ માત્ર લેસ્ટરશાયરમાં જ નહીં, બલકે નોટિંગ્હાનશાયર,લિંકનશાયર અને લિવરપુલમાં પણ ડ્રગનો કાળો કારોબાર કરે છે અને યુવાનોને આડા પાટે ચઢાવે છે’. દરોડા દરમિયાન, અમે આ ચાર દેશોમાં અને શહેરોમાં 50 વોરન્ટ જારી કર્યા હતા.આ ઓપરેશન અમારા માટે ખૂબ જ મહત્ત્વનું હતું.

જો કે અમારી કામગીરી અહીં જ અટકવાની નથી.અમે જાણીએ છીએ કે કોઇ એ ખાલી કરેલી જગ્યાએ અન્ય કોઇ આવશે અને આ કાળો કારોબાર કરશે જ. એટલા માટે જ અમે સતત આવા લોકોને પકડવા અને કાળા કારોબારને બંધ કરવા પ્રયાસો કરતાં રહીશું. આ ડ્રગના દુરૂપયોગને રોકવા માટે પણ અમે સતત પ્રયત્નશીલ રહીશું, એમ હંટે કહ્યું હતું.