પોલીસ કમિશ્નર ક્રેસિડા ડીકના વરદહસ્તે એવોર્ડ સ્વીકારતા સાર્જન્ટ મેટ રટાના

ક્રોયડન પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં ગત શુક્રવારે તા. 25ના રોજ વહેલી સવારે પોલીસ સાર્જન્ટ મેટ રટાનાની હત્યા કરવા માટે ગન સપ્લાય કરવાના આરોપ બદલ એક માણસની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 23 વર્ષીય શંકાસ્પદ આરોપી લુઇસ ડી ઝોઇસા “ખૂબ ગંભીર” હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.  સાર્જન્ટની હત્યાનો જેના પર આરોપ છે તે મધ્યમવર્ગીય કુટુંબનો યુવાન ઓટીસ્ટીક છે.

પોલીસ તપાસ દરમિયાન હત્યામાં વપરાયેલી રિવોલ્વર ઝોયસાને સપ્લાય કરવાના આરોપ બદલ નોરીચમાંથી એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ શંકાસ્પદ સાથે જોડાયેલા સરેના બેનસ્ટેડના કર્ટલેન્ડઝ ફાર્મમાં તપાસ દરમિયાન બીજા વિશ્વ યુદ્ધ બોમ્બ સ્ટોરેજ યુનિટના દરવાજા વિસ્ફોટ કરી ઉડાવી દીધા હતા.

ડી ઝોઇસાની શુક્રવારે તા. 25ના રોજ સવારે લગભગ 1.30 વાગ્યે તેના પરિવારના સાઉથ લંડનના પોલાર્ડ્સ હિલ, નોર્બરી નજીકના ઘરની નજીકથી ધરપકડ કરવામાં આવી હતી. ડ્રગ્સ અને દારૂગોળો રાખવાની શંકાના આધારે તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. સમજી શકાય છે કે અધિકારીઓ તેણે અન્ડરવેરમાં છુપાવી હોવાનો આક્ષેપ થાય છે તે પિસ્તોલ શોધવામાં નિષ્ફળ ગયા હતા. તેના બન્ને હાથને પીઠ પાછળ રાખી હાથકડી લગાવી હોવા છતાં તે પિસ્તોલ કાઢવામાં સફળ થયો હતો અને તેણે સાર્જન્ટ રટાનાને છાતીમાં ગોળી માર્યા બાદ પોતાના ગળામાં ગોળી મારી હતી તેવો આક્ષેપ થાય છે. તે હોસ્પિટલમાં ગંભીર હાલતમાં છે. સાર્જન્ટ રટાનાના મૃત્યુના સંબંધમાં તેની ધરપકડ કરવામાં આવી નથી.

સાઉથ લંડનના નોર્બરીમાં તેના ફેમિલી હોમ નજીકના એક ટેરેસ હોમની તપાસ કરવામાં આવી રહી છે. પડોશીઓના મતે ઝોઇસા ચર્ચમાં જતો રોમન કેથલિક છે અને તેને પાંચ બાળકો છે. ઝોઇસાના 55 વર્ષીય પિતા, ચન્ના ડી ઝોઇસા યોગ શિક્ષક તરીકે સેવા આપે છે. તેમની પત્ની, એલિઝાબેથનો જન્મ ક્રોયડનમાં થયો હતો અને ડચથી અંગ્રેજીનાં અનુવાદ કરવાની ફર્મ ચલાવે છે. તેઓ એકવાર ગ્રીન પાર્ટીના ઉમેદવાર તરીકે સ્થાનિક કાઉન્સિલ ચૂંટણીમાં ઉભા રહ્યા હતા.

કસ્ટડી સાર્જન્ટને ઇસ્ટ ગ્રિન્સ્ટેડ રગ્બી ક્લબ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જ્યાં તેઓ રગ્બીનું કોચીંગ આપતા હતા અને તેઓ પોતે પણ ભૂતપૂર્વ પ્રોફેશનલ રગ્બી પ્લેયર હતા. પોલીસ કમિશ્નર ક્રેસીડા ડીકે પણ ઘટના સ્થળની મુલાકાત લઇ શ્રધ્ધાંજલિ આપી હતી. તેઓ 54 વર્ષના હતા અને નિવૃત્તિના આરે હતા.

મેટ તરીકે ઓળખાતા સાર્જન્ટ મટિયુ રટાના લંડન આઇરિશ માટે રગ્બી રમવા માટે 1989માં આવ્યા હતા અને પછી વેસ્ટ લંડનની ઘણી ક્લબ્સ માટે કોચીંગ આપતા હતા.

ઝોયસાના બાળપણના મિત્રએ કહ્યું હતું કે  તે ખૂબ જ ઓકવર્ડ અને કોઈ કારણોસર ખૂબ જ ગંભીર હતો. તેનો નાનો ભાઈ, જ્હોન, 21, ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી કરી રહ્યો છે અને તે શ્રીલંકન સોસાયટીનો હેડ છે.

શૂટિંગ પછી ઘટના સ્થળે હાજર ધ ઇન્ડીપેન્ડન્ટ ઓફિસ ફોર પોલીસ કંડક્ટે જણાવ્યું હતું કે શંકાસ્પદ હોલ્ડિંગ એરિયામાં બેઠો હતો. અધિકારીઓએ મેટલ ડિટેક્ટર વડે તેની સર્ચ કરવાની તૈયારી કરતા હતા ત્યારે તેણે હથકડી લગાવી હોવા છતાં ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં કોઈ પોલીસ હથિયાર ચલાવવામાં આવ્યા ન હતા અને કેસ આતંકવાદ સંબંધિત માનવામાં આવી રહ્યો નથી. સાર્જન્ટ રટાના બ્રિટનમાં આઠમા પોલીસ અધિકારી છે જેમને પાછલા 20 વર્ષોમાં ગોળીથી ઠાર મારવામાં આવ્યા હતા.