(Photo by Sujit JAISWAL / AFP) (Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

ભારતના ફિલ્મ ઉદ્યોગમાં કિંગ ખાન તરીકે ઓળખાતો બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન બુધવારે યુકેમાં ‘વિશ્વની ટોચની 50 એશિયન સેલિબ્રિટીઝ’ની યાદીમાં મોખરે રહ્યો હતો. શુક્રવારે યુકેના સાપ્તાહિક ‘ઈસ્ટર્ન આઈ’ દ્વારા પ્રકાશિત આ વાર્ષિક યાદીમાં તીવ્ર સ્પર્ધાનો સામનો કરીને શાહરુખ ટોચના સ્થાને ઊભર્યો હતો.

આ વર્ષે એક્શન થ્રિલર ‘પઠાન’ અને ‘જવાન’ સાથે બોક્સ-ઓફિસ પર બેવડી સફળતા મેળવનાર 58 વર્ષીય અભિનેતા હાલમાં કોમેડી ડ્રામા ‘ડંકી’ની ક્રિસમસ રિલીઝની તૈયારી કરી રહ્યો છે. આ યાદીનું સંકલન કરનારા ‘ઈસ્ટર્ન આઈ’ના એન્ટરટેઈનમેન્ટ એડિટર અસજદ નઝીરે જણાવ્યું હતું કે “2023ના અંત સુધીમાં કિંગખાન એક કેલેન્ડર વર્ષમાં બોલિવૂડની ત્રણ મોટી બ્લોકબસ્ટર હિટ ફિલ્મો આપનારો આધુનિક યુગનો પ્રથમ અગ્રણી સ્ટાર બનશે.”

2023માં સૌથી વધુ ચમકનારા દક્ષિણ એશિયાના સ્ટાર્સનો સમાવેશ કરી 50 હસ્તીઓની યાદી તૈયાર કરાઈ હતી. આ યાદી તૈયાર કરતી વખતે વર્ષ દરમિયાન પ્રભાવશાળી કાર્ય, સીમાઓ તોડતી લોકપ્રિયતા અને પ્રેરણાદાયી કામગીરી જેવા માપદંડને ધ્યાનમાં રાખવામાં આવ્યાં હતાં. વાંચકો અને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તેમના ફેવરિટ સ્ટારના નોમિનેશન સહિત જાહેર અભિપ્રાયો આધારિત આ યાદી છે.

આ યાદીમાં લોકપ્રિય અભિનેત્રી આલિયા ભટ્ટ બોલિવૂડ અને હોલીવુડમાં તેની અસર માટે અને કામ કરતી માતાઓ માટે એક મજબૂત રોલ મોડેલ તરીકે બીજા સ્થાને આવી હતી. ત્રીજા ક્રમે પ્રિયંકા ચોપરા જોનાસ રહી હતી. આંતરરાષ્ટ્રીય મંચ પર તેના ગ્રાઉન્ડ બ્રેકિંગ કામ માટે તેને આ સ્થાન મળ્યું હતું. મોટા બજેટની શ્રેણી ‘સિટાડેલ’, હોલીવુડની ફિલ્મ ‘લવ અગેન’, માનવતાવાદી કાર્ય, વૈશ્વિક રેડ કાર્પેટ પર લોકપ્રિયાતને પણ ધ્યાનમાં લેવામાં આવ્યાં હતાં.
આ યાદીમાં પંજાબી સ્ટાર દિલજીત દોસાંઝે ચોથું સ્થાન હાંસલ કર્યું હતું. દોસાંજે એક્ટર અને સિંગર બંને તરીકે અદભૂત કામ કર્યું હતું. પાંચમાં સ્થાને યુકેની ચાર્લી XCX રહી હતી. તે દક્ષિણ એશિયાઈ વારસાની આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી મોટી સિંગિંગ સ્ટાર છે.

બ્લોકબસ્ટર હિટ ‘એનિમલ’ સાથે વર્ષના સૌથી પ્રભાવશાળી મૂવી પ્રદર્શન સાથે રણબીર કપૂર છઠ્ઠા નંબરે રહ્યો હતો. સિંગર શ્રેયા ઘોષાલ સાતમા ક્રમે રહી હતી. આઠમા સ્થાને આવેલ વિજય બે હિટ ફિલ્મો સાથે 2023નો સૌથી મોટો દક્ષિણ ભારતીય સિનેમા સ્ટાર છે અને તે તેની નમ્રતાથી અસંખ્ય ચાહકો માટે પ્રેરણારૂપ બન્યો છે.
પાકિસ્તાની અભિનેતા વહાજ અલી નવમા ક્રમે રહ્યો હતો. તેને રેકોર્ડબ્રેક સીરીયલ ‘તેરે બિન’ સહિત આખું વર્ષ જોરદાર પ્રદર્શન કર્યું હતું. કેનેડિયન અભિનેત્રી ઈમાન વેલાનીએ હોલીવુડની બ્લોકબસ્ટર ‘ધ માર્વેલ્સ’માં ઉત્કૃષ્ટ ભૂમિકા ભજવી હતી અને તે 10માં સ્થાને રહી હતી.

આ યાદીમાં સૌથી મોટી ઉંમરના સ્ટાર 81 વર્ષના અમિતાભ બચ્ચન (35માં) અને સૌથી નાનામાં 20 વર્ષીય ટેલિવિઝન સ્ટાર સુમ્બુલ તૌકીર (44મું) છે.

 

LEAVE A REPLY

3 + 9 =