ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શંકર ચૌધરી બિનહરીફ ચૂંટાઇ આવ્યા હતા. ગાંધીનગરમાં 15મી રાજ્ય વિધાનસભાના પ્રથમ સત્ર દરમિયાન ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય જેઠા ભરવાડ ડેપ્યુટી સ્પીકર તરીકે બિનહરીફ ચૂંટાયા હતા.

વિપક્ષ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી (AAP)એ શાસક પક્ષના ધારાસભ્યો શંકર ચૌધરી અને જેઠા ભરવાડની ઉમેદવારીને સમર્થન આપ્યું હતું. શંકર ચૌધરીના નામની દરખાસ્ત ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કરી હતી, જ્યારે જેઠા ભરવાડના નામની દરખાસ્ત રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ કરી હતી.

બનાસકાંઠા જિલ્લાની થરાદ બેઠકનું પ્રતિનિધિત્વ કરતા શંકર ચૌધરીએ 2014 થી 2017 દરમિયાન આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીની આગેવાની હેઠળની ગુજરાત સરકારમાં પ્રધાન તરીકે સેવા આપી હતી.તેઓ વાવ બેઠક પરથી 2017ની વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા.

પંચમહાલ જિલ્લાની શહેરા વિધાનસભા બેઠક પરથી છ વખત ધારાસભ્ય બનેલા ભરવાડે 14મી વિધાનસભામાં 2021 અને 2022 વચ્ચે એક વર્ષ માટે વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી હતી. જેઠા ભરવાડ પંચમહાલ ડેરીના ચેરમેન છે, જ્યારે શંકર ચૌધરી બનાસ ડેરીના અધ્યક્ષ છે.

આ અગાઉ સોમવારે તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ પદના શપથ લીધા હતા. હાલમાં જ પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે રાજ્યની કુલ 182 વિધાનસભા બેઠકોમાંથી 156 બેઠકો જીતીને સત્તા જાળવી રાખી છે. કોંગ્રેસને માત્ર 17 બેઠકો, AAPને પાંચ બેઠકો મળી હતી, જ્યારે ત્રણ બેઠકો અપક્ષ અને એક બેઠક સમાજવાદી પાર્ટીને મળી હતી.

LEAVE A REPLY

5 × two =