(Photo by Kristy Sparow/Getty Images)

ફિલ્મી જગતના લોકોમાં ફ્રાન્સના કાન ફિલ્મ ફેસ્ટિવલનું અનોખું આકર્ષણ હોય છે. આ ફેસ્ટિવલનું 13 મેથી 24 મે દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વના અનેક દેશોમાંથી ફિલ્મકારો ત્યાં પોતાની ફિલ્મોનો પ્રચાર-પ્રસાર કરવા ત્યાં જાય છે. આ સાથે અહીં વિવિધ ફિલ્મોના સ્ક્રિનીંગ થાય છે અને વિવિધ ભાષાઓની ફિલ્મ જોવાની તક પણ મળે છે.

સામાન્ય લોકો માટે ફેસ્ટિવલમાં આવેલી અભિનેત્રીઓના ચિત્ર-વિચિત્ર ગાઉન આઉટફીટ્સ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. બોલીવૂડની ઘણી અભિનેત્રીઓ ત્યાં રેડ કાર્પેટ પર આકર્ષણ ઊભું કરે છે અને પાપરાઝીઓ તેમના ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે. આ વર્ષે ફેસ્ટિવલમાં ભારતની વીતેલા જમાનાની જાજરમાન પીઢ અભિનેત્રીઓ શર્મિલા ટાગોર અને સિમી ગરેવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

શર્મિલા ટાગોરે સાદી સાડીમાં લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને પ્રશંસા પણ મળવી હતી. શર્મિલા ટાગોરે 66 વર્ષની ફિલ્મી કારકિર્દીમાં પ્રથમવાર આ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો. તેમની સાથે તેમના જેટલી જ સુંદર 77 વર્ષીય અભિનેત્રી સિમી ગરેવાલ અને શર્મિલા ટાગોરની જ્વેલરી ડિઝાઈનર પુત્રી શબા ટાગોર પણ ત્યાં જોવા મળ્યા હતા. શર્મિલા ટાગોરે કાનમાં રેડ કાર્પેટ પર કલાસિક ગોલ્ડન સાડીમાં શાનદાર એન્ટ્રી કરી હતી. સિમી ગરેવાલ પણ ઇન્ડિયન કોર્ટર લેબલ કાર્લીયોનું ગાઉન પહેરીને આવ્યા હતા. તેમણે તેમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેમના ફોટો પોસ્ટ કર્યા છે.

તેઓ જાણીતા દિગ્દર્શક સત્યજીત રેની ક્લાસિક બંગાળી ફિલ્મ અરન્યેર દિન રાત્રીના નવા સ્વરૂપની ફિલ્મના પ્રીમિયર શોમાં ભાગ લેવા માટે તેઓ કાન ગયા હતા. આ ફિલ્મના સ્ક્રીનિંગને દર્શકોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપીને આવકાર્યું હતું.
આ બંગાળી ફિલ્મ 1970માં રિલીઝ થઈ હતી, તે ફિલ્મ લેખક સુનીલ ગંગોપાધ્યાયની નવલકથા પર આધારિત છે, જેનો અંગ્રેજીમાં ડેઇઝ એન્ડ નાઇટ્સ ઇન ધ ફોરેસ્ટ નામે અનુવાદ પણ થયો છે. આ બંગાળી ફિલ્મમાં શર્મિલા ટાગોરે અપર્ણા અને સિમી ગરેવાલે દુલીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મને ફેસ્ટિવલના ક્લાસિક્સ સેક્શનમાં દર્શાવવામાં આવી હતી. શર્મિલા ટાગોરે 1959માં ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો.

આ ઉપરાંત બોલીવૂડમાંથી ઉર્વશી રૌતેલાએ ફેસ્ટિવલના પ્રથમ દિવસે વિશ્વભરના ઘણા પ્રખ્યાત લોકો સાથે રેડ કાર્પેટ પર વોક કર્યું હતું. ‘ડાકુ મહારાજ’ની અભિનેત્રી ઉર્વશી રૌતેલા રેડ કાર્પેટ પર મલ્ટીકલર ગાઉન પહેરીને આવી હતી. ઉર્વશીએ તેના ડાયમંડ ક્રાઉન અને પોપટ ક્લચથી બધાનું ધ્યાન ખેંચ્યું. ઉર્વશીએ જુડિથ લીબર દ્વારા બનાવેલો 5,000 ડોલરનો ક્રિસ્ટલ પોપટ ક્લચ પહેર્યો હતો. ઉર્વશી રૌતેલા ફિલ્મ ‘પાર્ટિર ઉન જોર’ (લિવ વન-ડે)ના ઉદ્ઘાટન સમારોહ અને સ્ક્રીનિંગ માટે રેડ કાર્પેટ પર વોક કર્યું હતું. રંગબેરંગી આઉટફિટ પહેરેલી ઉર્વશીએ તાજ અને પોપટ આકારના ક્રિસ્ટલ-એમ્બેડેડ ક્લચ સાથે પોતાનું આકર્ષણ જમાવ્યું હતું. રેડ કાર્પેટ પરથી ઉર્વશીના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે. તેણે કાર્પેટ પર વોકિંગ માટે વાદળી, લાલ અને પીળા રંગનો સ્ટ્રેપલેસ સ્ટ્રક્ચર્ડ આઉટફિટ પસંદ કર્યો હતો.

ભારતમાં જન્મેલી પણ દુબઈમાં રહેતી દેબાંજલિએ તેની આગામી ફિલ્મના પ્રમોશન માટે હાજરી આપી હતી. ભારતીય નહીં તો ભારતીય મૂળનું વંશજ વિશ્વના કોઈપણ સ્થળે જોવા મળી જ જાય.

 

LEAVE A REPLY