ભિવંડી કોર્પોરેટર મર્ડર કેસમાં આરોપીની જામીન અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું હતું કે કે સમાજના કથળતા જતાં ચરિત્રને કારણે હવે લોકો સત્યની પડખે ઊભા રહેવા તૈયાર થતાં નથી. ગુંડાઓ સાક્ષીઓ પર દબાણ લાવે તેવો ભય હોય છે. સાક્ષીઓ ઘણીવાર ફરી જતાં હોય છે. કમનસીબે આ દેશમાં કોઈ સાક્ષી સુરક્ષા કાર્યક્રમ નથી.
જસ્ટિસ સૂર્યકાંત અને એન. કોટિશ્વર સિંહની ખંડપીઠ કોંગ્રેસના કોર્પોરેટર હત્યા કેસના કથિત મુખ્ય કાવતરાખોર પ્રશાંત ભાસ્કર મહાત્રેની જામીન અરજી પર સુનાવણી કરી રહી હતી. ખંઠપીઠે તપાસ કરીને આરોપીને દોષિત ઠેરવવા માટે તે આ કેસમાં તપાસ કરવાની યોજના ધરાવે છે તેવા મહત્વપૂર્ણ સાક્ષીઓની યાદી આપવા રાજ્યના વકીલને આદેશ કર્યો હતો.
ચાર્જશીટમાં ઉલ્લેખ કરાયેલા 200માંથી 75 સાક્ષીઓની તપાસ જરૂરી છે તેવી રાજ્યના વકીલે રજૂઆત કરી ત્યારે ખંડપીઠે જણાવ્યું હતું કે સમાજના કથળતા જતાં ચરિત્રને કારણે હવે લોકો સત્યની પડખે ઊભા રહેવા તૈયાર થતાં નથી. તમે આટલા બધા સાક્ષીઓની જુબાની પર કેમ આધાર રાખી રહ્યા છો? ગુંડાઓ સાક્ષીઓ પર દબાણ લાવે તેવો ભય હોય છે. સાક્ષીઓ ઘણીવાર પલટી જતાં હોય છે. કમનસીબે આ દેશમાં કોઈ સાક્ષી સુરક્ષા કાર્યક્રમ નથી.
રાજ્ય સરકારના વકીલે જણાવ્યું હતું કે બોમ્બે હાઈકોર્ટમાં જામીન અરજીની સુનાવણી દરમિયાન ફરિયાદ પક્ષે 14 સાક્ષીઓની તપાસ કરી હતી, જેમાંથી 10 સાક્ષીઓ ફરી ગયાં હતાં. મહાત્રેના વકીલે રજૂઆત કરી હતી કે આરોપીને અનેક કેસોમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે અને કોર્ટે હવે જામીન આપવા જોઇએ. ખંડપીઠે જણાવ્યું હતું કે અહીંથી કોઈ ચમત્કારની અપેક્ષા રાખશો નહીં. અમે ફક્ત ઇચ્છીએ છીએ કે સુનાવણી ઝડપથી થાય. અમે ઇચ્છીએ છીએ કે સમાજ શાંતિમાં રહે. જો તમે જેલમાંથી બહાર આવશો, તો ઘણા લોકોની ઊંઘ હરામ થઈ જશે.
