શ્રી રામ મંદિર વૉલ્સોલ ખાતે સશસ્ત્ર દળના વરિષ્ઠ અધિકારીઓ રોયલ એરફોર્સ (વચ્ચે)ના ગ્રુપ કેપ્ટન ગેરેથ બ્રાયન્ટ, રોયલ નેવીના કમાન્ડર માર્ક હેલી (ડાબે) અને બ્રિટીશ આર્મીના મેજર ટિમ કેન્ટે (જમણે) ‘વિજય દશમી’ ના શુભ પ્રસંગે તેમના પારંપરિક તલવારોની શસ્ત્ર પૂજા કરી હતી. આ પ્રસંગે રોયલ એરફોર્સના સાર્જન્ટ શિવચંદ પણ ઉપસ્થિત રહ્યા હતા.

અસુરોના રાજા રાવણના ભગવાન રામ દ્વારા કરાયેલા વધ અને અધર્મ ઉપર ધર્મના વિજયની ઉજવણીના પર્વ દશેરાની શ્રી રામ મંદિર વૉલ્સોલ ખાતે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

શ્રી રામ મંદિરમાં સશસ્ત્ર દળોના વરિષ્ઠ અધિકારીઓ પાસે મંદિરના પૂજારી શ્રી શરદભાઇ ભટ્ટે વૈદિક વિધિ મુજબ શસ્ત્રોનું પૂજન કરાવ્યું હતું અને શસ્ત્ર પૂજાનું મહત્વ સમજાવ્યું હતું. મંદિર દ્વારા આ પ્રસંગના આયોજન બદલ સાર્જન્ટ શિવ ચંદ (રોયલ એરફોર્સ)નો આભાર વ્યક્ત કરાયો હતો.