ભૌગોલિક રાજકીય તણાવને કારણે એક સમયે ભારતમાં પ્રતિબંધિત કરાયેલા ચીનની અગ્રણી ફેશન રિટેલર શીને રિલાયન્સ રિટેલ સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી ભારતમાં પુનરાગમન કર્યું હતું અને હવે કંપનીએ આંતરરાષ્ટ્રીય બજાર પર નજર રાખીને દેશમાં તેના મેન્યુફેક્ચરિંગ બેઝનું પણ મોટાપાયે વિસ્તરણ કરવાની યોજના બનાવી છે. કંપની 6થી 12 મહિનામાં ભારતમાં ઉત્પાદિત શીન-બ્રાન્ડેડ વસ્ત્રોનું આંતરરાષ્ટ્રીય વેચાણ શરૂ કરવા માગે છે.
ચીન સાથે વધતા સરહદી તણાવ વચ્ચે 2020માં ભારત સરકારે પ્રતિબંધિત કરેલી ઘણી ચાઇનીઝ-લિંક્ડ એપ્સમાં શીનનો પણ સમાવેશ થતો હતો. જોકે આ બ્રાન્ડે ફેબ્રુઆરી 2025માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એકમ રિલાયન્સ રિટેલ સાથે લાઇસન્સિંગ કરાર દ્વારા ભારતીય બજારમાં ફરી પ્રવેશ કર્યો હતો. આ કરાર હેઠળ શીન-બ્રાન્ડેડ વસ્ત્રોનું વેચાણ કરતું એક સમર્પિત ઓનલાઇન પ્લેટફોર્મ લોન્ચ કર્યું હતું.
રિલાયન્સ મુકેશ અંબાણીની માલિકીની છે. હવે શીન અને રિલાયન્સ ઝડપી વૃદ્ધિ પર નજર રાખી રહ્યા છે. રોઇટર્સે સૂત્રોને ટાંકીને તેના અહેવાલમાં જણાવ્યું હતું કે આ ભાગીદારો એક વર્ષમાં ભારતીય કપડા સપ્લાયર્સની સંખ્યા 150થી વધારીને 1,000 કરવાની યોજના ધરાવે છે. આ વિસ્તરણનો હેતુ માત્ર સ્થાનિક માંગને પૂર્ણ કરવાનો નથી પરંતુ આગામી છ થી બાર મહિનામાં પસંદગીના વૈશ્વિક બજારોમાં ભારતમાં બનેલા શીન વસ્ત્રોની નિકાસ કરવાનો પણ છે.
એક નિવેદનમાં, શીને સ્પષ્ટતા કરી કે રિલાયન્સ સાથેની તેની ભાગીદારી ભારતીય સ્થાનિક વેચાણ માટે તેના બ્રાન્ડને લાઇસન્સ આપવા સુધી મર્યાદિત છે. એકમાત્ર રિલાયન્સ ભારતીય બજારમાં ઉત્પાદન, સપ્લાય ચેઇન, વેચાણ અને કામગીરી માટે જવાબદાર છે. Shein
