મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે (ANI Photo)

મહારાષ્ટ્રમાં શિવસેનાના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના મામલે ચુકાદો આપતા વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે બુધવારે જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યપ્રધાન એકનાથ શિંદેના વડપણ હેઠળનું જૂથ અસલી શિવસેના છે અને તેમના ગ્રૂપના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવી શકાય નહીં. સ્પીકરના આ ચુકાદાથી મુખ્યપ્રધાન શિંદને મોટી રાહત થઈ હતી અને ઉદ્ધવ ઠાકરેને ફટકો પડ્યો હતી. જોકે ઉદ્ધવ ઠાકરેએ આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની જાહેરાત કરી હતી.

સ્પીકરે શિંદે સહિત શિવસેનાના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની ઉદ્ધવ ઠાકરે જૂથની અરજીને પણ ફગાવી દીધી હતી. શિવસેનાના બંને કેમ્પે એકબીજાના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની અરજીઓ કરી હતી, પરંતુ સ્પીકરે એકપણ ગ્રૂપના ધારાસભ્યોને ગેરલાયક જાહેર કર્યાં નથી. નાર્વેકરે જણાવ્યું હતું કે સેના (UBT)ના સુનિલ પ્રભુએ 21 જૂન, 2022થી વ્હીપ ન હતાં અને શિંદે જૂથના ભરત ગોગાવાલે અધિકૃત વ્હિપ બન્યા હતાં. ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટેની તમામ અરજીઓ ફગાવી દેવામાં આવી છે. કોઈ ધારાસભ્યને ગેરલાયક ઠેરવવામાં આવી રહ્યા નથી. શિવસેનાના ‘પ્રમુખ’ પાસે કોઈ પણ નેતાને પાર્ટીમાંથી દૂર કરવાની સત્તા નથી.

સ્પીકરે જણાવ્યું હતું કે ચૂંટણી પંચને સબમિટ કરાયેલું 1999નું પક્ષનું બંધારણ મુદ્દાઓનો નિર્ણય કરવાનું માન્ય બંધારણ છે અને 2018ના સુધારેલા બંધારણ પર આધાર રાખવો જોઈએ તે તેવી ઠાકરે જૂથને દલીલ સ્વીકાર્ય નથી. 1999ના બંધારણમાં ‘રાષ્ટ્રીય કાર્યકારિણી’ને સર્વોચ્ચ સંસ્થા માનવામાં આવી હતી. જૂન 2022માં શિવસેનાના બે ભાગલા પડ્યાં હતા. કુલ 54માંથી 37 ધારાસભ્યો શિંદે ગ્રૂપ પાસે છે.

જૂન 2022માં બળવો થયા પછી શિંદે બીજેપીના સમર્થનથી મુખ્યમંત્રી બન્યાં હતાં. ગયા વર્ષે જુલાઈમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનું અજિત પવાર જૂથ તેમની સરકારમાં જોડાયું હતું. અગાઉ ચૂંટણી પંચે શિંદેની આગેવાની હેઠળના જૂથને ‘શિવસેના’ નામ અને ‘ધનુષ અને બાણ’ પ્રતીક આપ્યું હતું.

સ્પીકરના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા શિવસેના (યુબીટી) નેતા ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે  આ ચુકાદો લોકશાહીની હત્યા અને સુપ્રીમ કોર્ટનું અપમાન છે. તેમનો પક્ષ તેની સામે સુપ્રીમ કોર્ટમાં જશે. ઉદ્ધવ ગ્રૂપના સંજય રાઉતે જણાવ્યું હતું કે આ ભાજપનું કાવતરું છે અને આ તેમનું સપનું છે કે એક દિવસ તેઓ બાળાસાહેબ ઠાકરેની શિવસેનાને ખતમ કરી દેશે. પરંતુ શિવસેના આ એક નિર્ણયથી સમાપ્ત થશે નહીં. અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું.

 

LEAVE A REPLY

2 + fourteen =