(Photo by STR/AFP via Getty Images)

શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે કોઇપણ તેમની પાર્ટીના ધનુષ-બાણના ચૂંટણીપ્રતિકને છીનવી શકે નહીં. અગાઉ શિવસેનાના શિંદે જૂથે પાર્ટીના ચૂંટણીપ્રતિકના ખરા હકદાર હોવાનો દાવો કર્યો હતો. મુંબઈમાં માતોશ્રી ખાતે પત્રકારોને સંબોધન કરતાં ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં મધ્યસત્ર ચૂંટણી યોજવાનો પણ બળવાખોરો અને ભાજપને પડકાર ફેંક્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે લોકોને મહાવિકાસ અઘાડી સરકારને ઉથલાવી મારવાના મુદ્દે પોતાનો અભિપ્રાય રજૂ કરવા દેવો જોઇએ. જો લોકો ચૂંટણીમાં તેમના પક્ષનું સમર્થન નહીં કરે તો તેઓ તેને સ્વીકારી લેશે. 11 જુલાઈએ 16 બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગેનો સુપ્રીમ કોર્ટનો આદેશ માત્ર શિવસેના નહીં, પરંતુ ભારતની લોકશાહીનું ભાવિ નિર્ધારિત કરશે.

બળવાખોરો સામે પોતાનુ વલણ આકરું બનાવતા તેમણે જણાવ્યું હતું કે ઠાકરે પરિવારને ટીકાનો શિકાર બનાવનારા લોકો સાથે ગઠબંધન કરીને બળવાખોરો માતોશ્રી અને ઠાકરે પરિવાર પ્રત્યે આદર હોવાનો દાવો કેવી રીતે કરી શકે. કાયદા મુજબ કોઇપણ શિવસેનાનું ચૂંટણીપ્રતિક છીનવી શકે નહીં. પાર્ટીના કાર્યકરોની ચિંતા દૂર કરતાં તેમણે જણાવ્યું હતું કે લોકો માત્ર પાર્ટીના પ્રતિકને ધ્યાનમાં રાખીને મત આપતા નથી.

બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે શુક્રવારની સાંજે દિલ્હીની મુલાકાત માટે રવાના થયા હતા. સીએમ બન્યા બાદ તેમની આ પ્રથમ દિલ્હી મુલાકાત છે.

શિંદની નિમણુકને સુપ્રીમ કોર્ટમાં પડકારાઈ

સુપ્રીમ કોર્ટમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે એકનાથ શિંદની નિમણુકની પડકારતી નવી અરજી કરવામાં આવી છે. સર્વોચ્ચ અદાલત 11 જુલાઈએ અરજીની સુનાવણી કરવા તૈયાર થઈ છે. શિવસેનાના નેતા સુભાષ દેસાઈ વતી સિનિયર એડવોકેટ દેવદત્ત કામતે આ નવી અરજી કરી હતી. આ અરજીમાં રાજ્યમાં બળવાખોર ધારાસભ્યો અને ભાજપના ગઠબંધનને આમંત્રણ આપવાના 30 જુલાઈના રાજ્યપાલના નિર્ણયને પડકારવામાં આવ્યો છે. શિવસેનાના 16 બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગેની અરજીની પણ 11 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે.