(Photo by STR/AFP via Getty Images)

બોલીવૂડની નવી પેઢીની જાણીતી ગાયિકા શ્રેયા ઘોષાલના પરિવારમાં નવા સભ્યનું આગમન થયું છે. તેણે ગત સપ્તાહે પુત્રને જન્મ આપ્યો છે. શ્રેયાએ આ અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકી હતી અને તેના ચાહકોએ તેને શુભેચ્છા અને અભિનંદન પણ પાઠવ્યા હતા.

શ્રેયા ઘોષાલએ સોશિયલ મીડિયા પર મુકેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘ભગવાનની કૃપાથી અમારા ઘરે પુત્રરત્નનો જન્મ થયો છે. આ લાગણી અને આ પહેલા ક્યારેય પણ અનુભવી નથી. શ્રેયાદિત્ય અને અમારું આખું કુટુંબ નવા મહેમાનના આગમનથી આનંદિત બની ગયું છે. તમે આપેલા પ્રેમ અને આશીર્વાદ માટે અમે ખરેખર આભારી છીએ.’
થોડા મહિના અગાઉ શ્રેયા ઘોષાલે સોશિયલ મીડિયા પર તે ગર્ભવતી હોવાની જાહેરાત કરીને પોતાના બેબી બમ્પનો ફોટો મુક્યો હતો અને જણાવ્યું હતું કે ‘બેબી શ્રેયાદિત્ય આવવાનું છે? શિલાદિત્ય મુખોપાધ્યાય અને મને આ બાબત તમને જણાવતા ઘણી ખુશી થાય છે. તમારા પ્રેમ અને આશીર્વાદની અમને જરૂર છે કારણ કે અમે અમારા જીવનના નવા અધ્યાય માટે પોતાને તૈયાર કર્યા છે.