શ્રીલંકામાં ભયંકર આર્થિક કટોકટીને પગલે લોકોએ પ્રેસિડન્ટ ગોતાબાય રાજપક્ષેના નિવાસસ્થાનની આગળ 31 માર્ચે વિરોધી દેખાવો કર્યો હતા. REUTERS/Dinuka Liyanawatte

ભારતના બે પડોશી દેશો રાજકીય કટોકટીમાં ફસાયા છે. આર્થિક કટોકટી વચ્ચે શ્રીલંકાના પ્રેસિડન્ટ ગોતાબાયા રાજપક્ષે અને વડાપ્રધાન મહિન્દ્રા રાજપક્ષે સિવાય સમગ્ર કેબિનેટે રવિવારે રાજીનામું આપ્યું હતું. તેમાં મહિંદા રાજપક્ષેના દીકરા અને રમત ગમત પ્રધાન નમલ રાજપક્ષે પણ સામેલ છે. વડાપ્રધાન કાર્યાલય તરફથી આ સમાચારની પૃષ્ટિ કરવામાં આવી હતી.

આ સાઉથ એશિયન દેશ હાલમાં અનાજ, ઇંધણ અને બીજા તમામ આવશ્યક ચીજવસ્તુઓની ભયંકર અછતનો સામનો કરવી રહ્યો છે. લોકોના જોરદાર વિરોધ પ્રદર્શનો વચ્ચે પ્રેસિડન્ટ રાજપક્ષેએ શુક્રવારે દેશમાં ઇમર્જન્સીની જાહેરાત કરી હતી.

કેબિનેટની રવિવારે બેઠક પછી શ્રીલંકાના શિક્ષણ પ્રધાન દિનેશ ગુણવર્ધને જણાવ્યું હતું કે, પ્રેસિડન્ટ ગોટબાયા રાજપક્ષે તેમજ વડાપ્રધાન મહિંદા રાજપક્ષે સિવાય તમામ 26 પ્રધાનોએ રાજીનામાં આપી દીધાં છે. શ્રીલંકાના વડાપ્રધાન કાર્યાલયે રવિવારે સાંજે ચોખવટ કરી હતી કે મહિંદા રાજપક્ષેએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું નથી આપ્યું.

હવે રાજકીય સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે એક નવી વચગાળાની સરકારની પસંદગી કરવામાં આવી શકે છે. 11 પાર્ટી ગઠબંધનના સભ્યો સાથેની બેઠક પછી સભ્યો દ્વારા એક દરખાસ્ત રજૂ કરાઈ હતી કે દેશમાં રાજકીય સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે એક નવા વડાપ્રધાન સાથે તાત્કાલિક એક સર્વદળીય વચગાળાની સરકાર બનાવવી જોઈએ. નોંધનીય છે કે આર્થિક સંકટ અને ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે રાષ્ટ્રપ્રમુભ ગોટબાયા રાજપક્ષેના ઘરની બહાર હિંસક પ્રદર્શન થાય હતા જેના કારણે સોમવાર સુધી શ્રીલંકામાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ, યૂટ્યુબ, સ્નેપચેટ, ટિકટોક અને ઈન્સ્ટાગ્રામ સહિત લગભગ બે ડઝન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પ્રભાવિત થયા છે. ડીઝલ-પેટ્રોલથી લઈને ખાણી-પીણીની વસ્તુઓનો અભાવ છે, જેના કારણે અરાજકતાની સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે.

આશરે 2.2 કરોડની વસ્તી ધરાવતા શ્રીલંકામાં હાલ આર્થિક સ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે દેશના અનેક ભાગોમાં રોજ 13 કલાક સુધીનો વીજળી કાપ જાહેર કરવામાં આવ્યો છે. અખબાર છાપવા માટેનો કાગળ આવતો બંધ થઈ જતાં દેશના ઘણા અખબારોએ પ્રકાશન પણ અટકાવી દીધું છે. સરકાર પોતાની પાસે જે કંઈ વિદેશી મુદ્રા ભંડાર વધ્યો છે તેને બચાવવા માટે મથી રહી છે, જેના પરિણામ સ્વરુપે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની આયાત અટકાવી દેવાતા દેશમાં પેટ્રોલ-ડીઝલની જોરદાર તંગી સર્જાઈ છે.