સ્પોન્સર્ડ વર્ક પરમીટ અને અન્ય સ્કીલ્ડ વિઝા પર આવેલા ભારત અને અન્ય દેશોના લોકો માટે કાયમી વસવાટ – ઇન્ડેફીનેટ લીવ ટૂ રીમેન (ILR) માટેના સમયગાળામાં વધારો કરવાની દરખાસ્તોને પગલે લંડનના સ્કીલ્ડ માઇગ્રન્ટ યુનિયન ગૃપ દ્વારા તા. 7ના રોજ સેન્ટ્રલ લંડનના પીકાડેલી સર્કસ ખાતે દેખાવો કરવામાં આવ્યા હતા.

ભારત અને અન્ય દેશોમાંથી આવેલા અને દેખાવોમાં જોડાયેલા યુવાનો માંગ કરી રહ્યા છે કે તેઓ જ્યારે આ દેશમાં ભારત કે અન્ય દેશોમાંથી યુકે આવ્યા ત્યારે તેમને એવી બાંહેધરી અને માહિતી આપવામાં આવી હતી કે તેમને યુકેમાં પાંચ વર્ષ પછી કાયદેસર કાયમી વસવાટ – ઇન્ડેફીનેટ લીવ ટૂ રીમેન (ILR) માટે પરવાનગી આપવામાં આવશે.

પરંતુ દેશમાં વધતા ઇમીગ્રેશનને પગલે હવે લેબર સરકાર દ્વારા કાયદેસર કાયમી વસવાટ – ઇન્ડેફીનેટ લીવ ટૂ રીમેન (ILR) કરવા માટેનો સમયગાળો 10 વર્ષનો અને કેટલાક નેતાઓ દ્વારા તે સમયગાળો 15 વર્ષનો કરવાના વચનો અને રજૂઆતો કરવામાં આવી રહી છે.

પોતાના ભાવિ સામે ઉભા થઇ રહેલા પ્રશ્નાર્થો જોતા યુવાનોનું કહેવું છે કે જો તેમને પહેલાથી જ ખબર હોત કે તેઓ 5 વર્ષે પણ કાયમી વસવાટ એટલે કે ILRના અઘિકાર મેળવી શકવાના નથી તો તેઓ કદી પણ યુકે આવ્યા હોત નહિં.

યુવાનોએ દર્શાવેલા બેનર્સમાં જણાવ્યું હતું કે ‘’આમારા કામનો આદર કરો – અમારા ભવિષ્યનો આદર કરો. યુકેના અન્યાયી નિયમો પરિવારોને તોડી રહ્યા છે અને કુશળ કામદારોને નુકસાન પહોંચાડી રહ્યા છે. યુકેમાં સ્થળાંતર કરનારાઓ ગૌરવ, ન્યાય અને માનવતાને પાત્ર છે. અમારો અવાજ મહત્વપૂર્ણ છે અને અમે હવે આદર અને ન્યાયી વ્યવહારની માંગ કરીએ છીએ.’’

LEAVE A REPLY