જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં રવિવારે સાંજે થયેલી હિંસા પછી રાહુલ ગાંધીએ કહ્યું કે, સરકાર વિદ્યાર્થીઓના અવાજથી ડરેલી છે અને આજની ઘટના તેનો પુરાવો છે. જ્યારે ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયક પાસેથી સ્થિતિની માહિતી લીધી છે.

દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે પોલીસને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે જરૂરી હોય તે પગલાં લેવા કહ્યું છે. જેએનયુમાં રવિવારે સ્ટુડન્ટ યુનિયન અને એબીવીપીના સભ્યો વચ્ચે ઝપાઝપી થઈ હતી. એબીવીપીના સભ્યો દ્વારા કરવામાં આવેલા મારઝૂડમાં જેએનયુ સ્ટુડન્ટ યુનિયનની અધ્યક્ષ આઈશી ઘોષ સહિત ઘણાં વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે.

આ ઘટના પછી રાજકીય નેતાઓથી લઈને સંસ્થાના પૂર્વ વિદ્યાર્થીઓએ પણ પ્રતિક્રિયા આપી છે. જેએનયુ સ્ટુડન્ટ યુનિયને એબીવીપીના સભ્યો પર મારઝૂડનો આરોપ લગાવતા કહ્યું છે કે, કેમ્પસમાં થયેલી ઘટના માટે આ લોકો જ જવાબદાર છે.

સ્મૃતિ ઈરાનીએ કહ્યું છે કે, જેએનયુ હિંસા મામલે તપાસ શરૂ થઈ ગઈ છે. તેથી અત્યારે તે વિશે નિવેદન આપવું યોગ્ય નથી. યુનિવર્સિટીઓને ન તો રાજકીય અડ્ડો બનાવવો જોઈએ અને ન વિદ્યાર્થીઓને રાજકીય હથિયાર બનાવવા જોઈએ. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરી- દેશપર શાસન કરનાર ફાસીવાદી સરકાર બહાદુર વિદ્યાર્થીઓના અવાજથી ડરેલા છે.

આજની ઘટના તેનો પુરાવો છે.જેએનયુના પૂર્વ વિદ્યાર્થીની અને નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ટ્વિટ કરીને આ ઘટનાની નિંદા કરી છે. તેમણે ટ્વિટ કર્યું છે કે, જેએનયુથી ડરાવની તસવીરો સામે આવી રહી છે. સરકાર ઈચ્છે છે કે, દરેક વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી સુરક્ષીત હોય.યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી અને વિદેશ મંત્રી એસ જયશંકરે પણ જેએનયુમાં થયેલી હિંસા મામલે નારાજગી વ્યકત કરી છે.

તેમણે કહ્યું કે, યુનિવર્સિટીમાં શું થઈ રહ્યું છે તેની તસવીરો જુઓ. આ સંપૂર્ણ રીતે યુનિવર્સિટીની પરંપરાઓ અને સંસ્કૃતિ વિરુદ્ધ છે.પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું છે કે, અમે જેએનયુના વિદ્યાર્થીઓ અને પ્રોફેસર સાથે થયેલી હિંસાની નિંદા કરીએ છીએ. આ લોકતંત્ર માટે શરમજનક છે. વિદ્યાર્થીઓ સાથે એકજૂથતા દર્શાવવા માટે દિનેશ ત્રિવેદીના નેતૃત્વમાં તૃણમૂલ કોંગ્રેસનું એક પ્રતિનિધિ મંડળ દિલ્હી જશે.