દિલ્હીની જવાહર લાલ નેહરૂ યુનિવર્સિટીમાં રવિવારે ત્રાટકેલા નકાબપોશ હુમલાખોરોએ મચાવેલી હિંસને લઇને કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
સોનિયા ગાંધીએ સરકારને આડે હાથ લેતા કહ્યું કે આજે દેશમાં યુવકો અને વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો અને તેમનો મજાક બનાવામાં આવી રહી છે. મોદી સરકારના રાજમાં દેશના યુવકોનો અવાજ દબાવી ગુંડાઓ દ્વારા હિંસાને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યો છે. કાલે જેએનયુમાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી પર થયેલા હુમલો સરકાર દ્વારા લોકોની અસહમતીની અવાજને દબાવવા માટે યાદ કરવામાં આવશે.
જેએનયુમાં હિંસાને પગલે આજે સવારે દિલ્હી યુનિવર્સિટી સહિત કેટલીક યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘો ફરી એકવાર સંગઠિત થયા હતા અને JNUના વિદ્યાર્થી સંઘને પોતાનો ટેકો જાહેર કર્યો હતો. એ લોકો આજે શાંતિપૂર્ણ દેખાવો કરવાના હોવાની જાહેરાત કરવામાં આવી હતી. JNUના વિદ્યાર્થીઓએ આ હિંસક હુમલો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે કરાવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો ત્યારે વિદ્યાર્થી પરિષદે (એબીવીપીએ) આ હુમલો ડાબેરી સંઘોએ કરાવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.
હુમલો પૂર્વ આયોજિત હતો એટલું સ્વીકારીને દિલ્હી પોલીસે સીસીટીવીના આધારે અને ઘટનાના નજરે જોનારા સાક્ષીઓની પૂછપરછ પછી હુમલાખોરોની ઓળખ બાબતમાં તપાસ શરૂ કરી હતી. આમ તો JNUમાં ફી વધારાના મુદ્દે છેલ્લા દોઢ બે મહિનાથી આંદોલન ચાલી રહ્યું હતું. શનિવારે કેટલાક વિદ્યાર્થીઓએ ઇન્ફર્મેશન સેન્ટરમાં બળજબરીથી ઘુસી જઇને સર્વર બંધ કરી દઇને સર્વર રૂમને લૉક કરી દીધો હતો. એને કારણે JNU અને એબીવીપીના પ્રતિનિધિઓ વચ્ચે બોલાચાલી અને નાનકડો ઝઘડો થયો હતો. રવિવારે JNUના વિદ્યાર્થીએાએ સાબરમતી હોસ્ટેલથી એક રેલી કાઢી હતી. એ દરમિયાન અહીં હિંસક હુમલો થયો હતો.