સોશિયલ મીડિયા પર આતંકવાદી સંગઠન દાયેશ અને આતંકવાદના કૃત્યોનો મહિમા દર્શાવતા ફોટો વિડીયોનો પ્રસાર પ્રચાર કરનાર રોમફોર્ડ, ઇસ્ટ લંડનના 22 વર્ષના હમઝા આલમને વૂલીચ ક્રાઉન કોર્ટમાં આતંકવાદી પ્રકાશનો ફેલાવવાના ત્રણ ગુનાઓમાં જ્યુરી દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યો હતો.

તેની જૂન 2022માં એક ઓનલાઈન મેસેજિંગ ચેનલની તપાસ કરતી કાઉન્ટર ટેરરિઝમ ડિટેક્ટિવ્સ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેના ઉપકરણોમાંથી મળેવા પુરાવા મુજબ તે ટેલિગ્રામ ચેનલ પર એડમિનિસ્ટ્રેટર હતો અને તેણે જેહાદને પ્રોત્સાહન આપતા આતંકવાદી પ્રકાશનો શેર કર્યા હતા. આલમની સોશિયલ મીડિયા ચેનલોમાં તે દાયેશ લડવૈયાઓ અને આતંકવાદી કૃત્યોની તૈયારી અને અંજામને ગૌરવ આપતો હતો.

તેણે અન્ય લોકોને આતંકવાદી હિંસક કૃત્યો કરવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે, ઇરાદાપૂર્વક અને અવિચારી રીતે સામગ્રી શેર કરી હોવાનું જણાયું હતું.

તેણે પ્રસારીત કરેલી એક પોસ્ટ્સમાં તેણે 9/11 બોમ્બર્સની ઉજવણી કરી હતી જે ભારે હિંસાને પ્રોત્સાહન આપે છે.

આલમની પ્રથમ જૂન 2022 માં અને તે જામીન પર હતો ત્યારે, સપ્ટેમ્બર 2023માં તેની ફરી ધરપકડ કરવામાં આવી હતી. આલમને શુક્રવારે 21 જૂને વૂલીચ ક્રાઉન કોર્ટમાં સજા સંભળાવવામાં આવશે.

આતંકવાદની તપાસ માટે જનતા પાસેથી માહિતી મળે તે મહત્વપૂર્ણ છે. જો તમે કંઈક અસામાન્ય અથવા શંકાસ્પદ જુઓ અથવા સાંભળો તો www.gov.uk/act પર અથવા 0800 789 321 ઉપર કે ઇમરજન્સીમાં 999 ડાયલ કરવા વિનંતી છે.

LEAVE A REPLY

15 − one =