શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સંસ્થાન દ્વારા ધાર્મિક કાર્યક્રમોની સાથે જનહિત અને સેવાકીય પ્રવૃત્તિઓને પણ શિક્ષાપત્રીના નિયમો મુજબ પ્રાધાન્ય આપવામાં આવે છે. શિયાળાની કડકડતી ઠંડીમાં ઠુંઠવાતા જરૂરીયાતમંદો, ફૂટપાથ ઉપર સુતેલા દરીદ્રનારાયણો, વિવિધ સંસ્થાઓ તથા દિવ્યાંગ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શેઠ ઘનશ્યામભાઈ શિવાભાઈ પટેલ ખાંધલીવાળાના સૌજન્યથી ૧૦૦૦ ઉપરાંત ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં નડિયાદની સંતરામ કન્યા છાત્રાલય, હિન્દુ અનાથ આશ્રમ, પીજ જલારામ વૃધ્ધાશ્રમ, પેટલાદ લક્કડપુરા બી.આઇ.પટેલ અને કુ.પાયલ પટેલ વૃદ્ધાશ્રમ, કરમસદ જલારામબાપા વિસામો, આણંદ જાગૃત્ત મહિલા સંગઠન વગેરે સંસ્થાઓમાં સેવા કરીને સંતોષ પ્રાપ્ત કર્યો હતો. આ ઉપરાંત આણંદ, વડોદરા અને પેટલાદની ફૂટપાથો ઉપર ખુલ્લામાં આશ્રય લેતા નીરાધાર દરીદ્રનારાયણોને ૭૦૦થી વધુ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડતાલ મંદિર દ્વારા નડિયાદ પીજભાગોળમાં આવેલ મૈત્રી સંસ્થાના ૬૫થી વધુ બાળકોને ડો. સંતસ્વામી, શ્યામસ્વામી, વડતાલ મંદિરના ટ્રસ્ટી પાર્ષદ ઘનશ્યામ ભગત, સ્વયંસેવકો દ્વારા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તમામ વ્યવસ્થા શ્યામવલ્લભ સ્વામીએ સંભાળી હતી. ડો.સંતસ્વામીએ મૈત્રી સંસ્થાના બાળકોની વિવિધ કલાપ્રવૃત્તિઓ નીહાળી ભાવવિભોર થયા હતા. સંસ્થાના સંચાલકે સંતોનું અભિવાદન કર્યું હતું.