આફ્રિકન દેશ સોમાલિયામાં તાજેતરમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં અંદાજે 48 લોકોના મોત થયા છે. પોલીસે જણાવ્યું હતું કે, આ હુમલો સોમાલિયાની રાજધાની મોગાદિશુના હિરાન ક્ષેત્રના બેલેડવેન શહેરમાં થયો હતો. મૃતકોમાં વિપક્ષી સાંસદ અમીન મોહમ્મદ અબ્દીનો પણ સમાવેશ થાય છે, જેઓ સ્પષ્ટ વક્તા ગણાતા હતા, તેઓ તેમની બેઠક પર આગામી નેશનલ એસેમ્બલીની ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા હતા. સોમાલિયાના હિરશાબેલે પ્રાંતના ગવર્નર અલી ગુડલાવેએ જણાવ્યું હતું કે, સોમાલી વિદ્રોહી જૂથ અલ-શબાબે હુમલાની જવાબદારી લીધી છે.
હુમલામાં અંદાજે 48 લોકો માર્યા ગયા, જેમાં મોટાભાગના નાગરિકો હતા. તેમણે કહ્યું કે, 108 અન્ય લોકો પણ ઘાયલ થયા છે. ગયા મહિનાની શરૂઆતમાં, એવા અહેવાલ હતા કે અલ-શબાબ ઉગ્રવાદી સંગઠનના આતંકવાદીઓએ સોમાલિયાની રાજધાનીની બહારના વિસ્તારમાં આ હુમલો કર્યો હતો.
સોમાલિયાની સરકારે કહ્યું કે, 16 ફેબ્રુઆરીના હુમલામાં મોગાદિશુની બહાર પોલીસ ચોકીઓને નિશાન બનાવવામાં આવી હતી. અલ-કાયદા સાથે સંકળાયેલ અલ-શબાબ, મોગાદિશુને નિશાન બનાવી રહ્યું છે અને સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય નિરીક્ષકોએ ચેતવણી આપી છે કે જૂથ સોમાલિયાની વર્તમાન ચૂંટણી સંકટનો લાભ લઈને વધુ હુમલાઓ શરૂ કરી શકે છે. દેશમાં ચૂંટણી એક વર્ષથી વધુ સમયથી વિલંબિત છે.
અન્ય એક મીડિયા રિપોર્ટ અનુસાર, રાજધાની મોગાદિશુમાં હુમલાના કલાકો બાદ જ બેલેડવેનમાં પણ હુમલા થયા છે. બન્યું એવું કે અલ-શબાબના આતંકવાદીઓએ મોગાદિશુના ઈન્ટરનેશનલ એરપોર્ટમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો. અહીંના સુરક્ષાકર્મીઓ અને આફ્રિકન યુનિયનના શાંતિ રક્ષકોએ માહિતી આપી હતી કે, તેઓએ હુમલાખોરોને મારી નાખ્યા છે. અલ-શબાબ સોમાલિયાની રાજધાની મોગાદિશુ તેમજ દેશના અન્ય ભાગોમાં હુમલાઓ કરે છે. આ આતંકવાદી સંગઠનની માંગ સોમાલિયામાં શરિયા કાયદો લાગુ કરવાની છે.