Getty Images)

શ્રીલંકાની સંસદીય ચૂંટણીના શરૂઆતી રૂઝાનમાં વડાપ્રધાન મહિંદા રાજપક્ષેની શ્રીલંકા પીપલ્સ પાર્ટી (એસએલપીપી)ને સંપૂર્ણ બહુમત મળતો દેખાઈ રહ્યો છે. ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિંદા રાજપક્ષેને ફોન કરીને વિજય માટે શુભેચ્છા પાઠવી હતી. સિંહલ બહુમતી ધરાવતા દક્ષિણ ક્ષેત્રમાંથી અત્યાર સુધીમાં પાંચ પરિણામોની જાહેરાત કરવામાં આવી છે જેમાં એસએલપીપીને 60 ટકાથી વધારે મત મળ્યા છે.

મહિંદા રાજપક્ષેએ ટ્વિટ કરીને વડાપ્રધાન મોદીનો વિજય માટે શુભેચ્છા પાઠવવા બદલ આભાર માન્યો હતો. તેમણે લખ્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી તમારા શુભેચ્છા કોલ માટે આભાર. શ્રીલંકન લોકોના મજબૂત સમર્થન સાથે અમે બંને દેશ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સહયોગને આગળ વધારવા માટે તમારા સાથે મળીને કામ કરવા ઈચ્છીએ છીએ. શ્રીલંકા અને ભારત સંબંધી અને મિત્ર છે.’

ત્યાર બાદ વડાપ્રધાન મોદીએ રાજપક્ષેની આ ટ્વિટને રિટ્વિટ કરીને લખ્યું હતું કે, ‘મહિંદા રાજપક્ષેજી આભાર. તમારા સાથે વાત કરીને આનંદ થયો. ફરી એક વખત ઘણી ઘણી શુભેચ્છાઓ. આપણે દ્વિપક્ષીય સહયોગના તમામ ક્ષેત્રોને આગળ વધારવા અને આપણા વિશેષ સંબંધોને હંમેશા નવી ઉંચાઈએ લઈ જવા સાથે મળીને કામ કરીશું.’

શ્રીલંકાની પીપલ્સ પાર્ટીની નજીકની પ્રતિદ્વંદી એક નવી પાર્ટી છે જેની સ્થાપના સજીથ પ્રેમદાસાએ કરેલી. પ્રેમદાસાએ પોતાની મૂળ પાર્ટી યુનાઈટેડ નેશનલ પાર્ટી (યુએનપી)થી અલગ થઈને નવી પાર્ટી બનાવી છે. ચૂંટણી પરિણામો પ્રમાણે યુએનપી ચોથા ક્રમે છે.

સત્તાવાર પરિણામોના આધારે સમજી શકાય છે કે માર્ક્સવાદી જનતા વિમુક્તિ પેરામુના (જેવીપી)એ પણ યુએનપીની સરખામણીએ સારૂં પ્રદર્શન કર્યું છે. તમિલ બહુમતી ધરાવતા ઉત્તર ક્ષેત્રમાં મુખ્ય તમિલ પાર્ટીને જાફનામાં એક ક્ષેત્રમાં વિજય મળ્યો છે જ્યારે રાજપક્ષેની સહયોગી ઈલમ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (ઈપીડીપી)એ જાફના જિલ્લાના અન્ય એક ક્ષેત્રમાં તમિલ નેશનલ અલાયન્સ (ટીએનએ)ને હરાવ્યું છે.