ન્યૂજર્સીના રોબિન્સવિલેમાં 30 સપ્ટેમ્બર, 2023એ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પાવન સાનિધ્યમાં ખુબ જ આનંદ અને ઉલ્લાસ સાથે અક્ષરધામ ઉદ્ઘાટન સમારોહનો પ્રારંભ થયો હતો. આ ઉદ્ઘાટન સમારોહના પ્રથમ સોપાનમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના કિશોર સ્વરુપ શ્રી નીલકંઠવર્ણી મહારાજની અભિષેક મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી.

ન્યૂજર્સીના રોબિન્સવિલેમાં 30 સપ્ટેમ્બર, 2023એ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પાવન સાનિધ્યમાં ખુબ જ આનંદ અને ઉલ્લાસ સાથે અક્ષરધામ ઉદ્ઘાટન સમારોહનો પ્રારંભ થયો હતો. આ ઉદ્ઘાટન સમારોહના પ્રથમ સોપાનમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના કિશોર સ્વરુપ શ્રી નીલકંઠવર્ણી મહારાજની અભિષેક મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. આ અભિષેક મૂર્તિ તેઓએ ૧૧ વર્ષની ઉમરે ગૃહત્યાગ કરીને ૭ વર્ષ સુધી કરેલા કઠણ વિચરણ અને તપને અંજલિ અર્પવા માટે પધરાવવામાં આવી હતી. તેઓના આ 7 વર્ષના વિચરણ પ્રવાસે વિશ્વભરના લોકોને નિઃસ્વાર્થ પ્રેમ, સહાનુભૂતિ, કરુણા, સાદગી, સાનુકૂળ તેમજ પ્રતિકુળ સંજોગોમાં નિઃસ્વાર્થ સેવા વગેરે મૂલ્યો જીવનમાં ચરિતાર્થ  કરવા માટે પ્રેરણા પૂરી પાડી છે.

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આગમન બાદ સંસ્થાના વરિષ્ઠ સંતોએ વૈદિક મંત્રોચ્ચાર અને પ્રાર્થના સાથે “પ્રાસાદ પ્રવેશ વિધિ” ની શરૂઆત કરી હતી. સામાન્ય રીતે પ્રથમ વખત નવી જગ્યા અથવા મકાનમાં પ્રવેશ કરતી વખતે આ “પ્રાસાદ પ્રવેશ વિધિ” કરવામાં આવે છે. આ પ્રસંગે સમગ્ર ભારત તેમજ વિશ્વભરના 555 જેટલા તીર્થસ્થાનોની પવિત્ર માટી અને જળ એકત્ર કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે અક્ષરધામના ગર્ભ ગૃહમાં પધરાવેલ શ્રી નીલકંઠવર્ણી મહારાજની અભિષેક મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી તેમજ તેઓની આધ્યાત્મિક યાત્રાને અંજલિ અર્પતા અભિષેક પણ કર્યો હતો.

૯ દિવસ સુધી ચાલનાર આ પ્રેરણા મહોત્સવ અંતર્ગત પ્રથમ દિવસે સાંજે હિન્દુ સનાતન ધર્મ દિવસ” નામના પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ઉત્તર અમેરિકા સ્થિત હિંદુ મંદિરોના ધાર્મિક આગેવાનો, આયોજકો, ટ્રસ્ટીઓ અને સેંકડો સભ્યો, ધાર્મિક વિચારોની આપ-લે કરવા માટે તેમજ હિન્દુ સનાતન ધર્મના વારસાને ઊજવવા માટે ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પ્રસંગે પ્રતિષ્ઠિત વક્તાઓ, વિદ્વાનો અને સમગ્ર હિંદુ સમુદાયના આગેવાનોએ હાજરી આપી હતી, જેમાં ગોવિંદદેવ ગીરી જી, સ્વામી મુકુન્દાનંદ જી, ડો. ટોની નાદર, શ્રી જેફરી આર્મસ્ટ્રોંગ (કવિન્દ્રઋષિ) અને વેદ નંદા જેવા મહાનુભાવો હાજર રહ્યા હતા અને આ તમામ મહાનુભાવો એ સનાતન ધર્મના વિવિધ પાસાઓ પર સંબોધન કર્યું હતું તેમજ હિંદુ ધર્મના “વિવિધતામાં એકતા” અને “સર્વ ધર્મ સમભાવ”ના સિદ્ધાંતો પર પ્રકાશ પાડયો હતો.

આદરણીય મુખ્ય અતિથિ પૂજ્ય સ્વામી ગોવિંદદેવ ગીરી મહારાજ  (શ્રી રામ મંદિર જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ-કોષાધ્યક્ષ)એ આ પ્રસંગે જણાવ્યુ કે “મેં BAPS સ્વામિનારાયણ અક્ષરધામમાં સમગ્ર દિવસ વિતાવ્યો  અને હું દ્રઢ પણે માનું છું કે માત્ર અક્ષરધામ મંદિરની મુલાકાત દ્વારા કોઈ પણ વ્યક્તિ સનાતન હિંદુ સંસ્કૃતિનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શકે છે. મંદિરમાં પધરાવેલ દરેક પવિત્ર મૂર્તિના દર્શન કરીને  ભારત દેશ અને હિંદુ સમાજ પ્રત્યે સમગ્ર વિશ્વનો દ્રષ્ટિકોણ બદલાશે.”

આંતરરાષ્ટ્રીય કાયદા અને વૈશ્વિક શાંતિના વિદ્વાન અને ભારત દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણના પ્રાપ્તકર્તા વેદ નંદાએ જણાવ્યુ હતું કે “હિંદુ ધર્મ માત્ર સહનશીલતાની વાત કરતો નથી, પરંતુ હિન્દુ ધર્મ “વસુધૈવ કુટુમ્બકમ”ની ભાવના દ્વારા કહેવા માગે છે કે , “હું તમને માત્ર સહન કરી રહ્યો નથી, હું તમને સ્વીકારું છું. હું તમને સ્વીકારું છું, એટલું જ નહીં, હું તમારો આદર પણ કરું છું. હું ફક્ત તમારો આદર જ નથી કરતો, હું તમને ઉજવું છું. એ હિંદુ ધર્મ છે. આ “વસુધૈવ કુટુમ્બકમ” સંદેશ સાથે, તેમણે હિંદુ ધર્મના મૂળમાં રહેલા સમૃદ્ધ વારસા અને એકતાનો પરિચય આપ્યો હતો.

આ પ્રસંગે ઓક્ટોબર મહિનાની શરૂઆતને “હિન્દુ હેરિટેજ મહિના” ની શરૂઆત તરીકે ઘોષિત કરવામાં આવી તેમજ આયોજકોએ આ શુભ અવસરે પરમ પવિત્ર મહંત સ્વામી મહારાજ પાસે સમગ્ર યુ.એસ.માં ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય તેમજ હિંદુ સંસ્કૃતિ, પરંપરાઓ અને મૂલ્યોની જાળવણી અને પ્રચાર માટે આશીર્વાદની યાચના કરી હતી.

વિશ્વ હિંદુ પરિષદ– અમેરિકાના ઉપાધ્યક્ષ ડૉ. જય બંસલે હિંદુ હેરિટેજ મહિનાની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો અને આ ઉજવણીનો ઈતિહાસ સમજાવતા કહ્યું હતું કે,“હિન્દુ હેરિટેજ મહિનાની શરૂઆત 2021માં થઈ હતી, કારણ કે ઓક્ટોબર મહિનામાં ઘણા મહત્વપૂર્ણ તહેવારો આવે છે અને સામાન્ય રીતે આ તહેવારો વ્યક્તિગત રીતે લોકો ઊજવતાં હોય છે, તો શા માટે આપણે સૌ ભેગા મળીને આ તહેવારોની ઉજવણી ના કરી શકીએ?

કાર્યક્રમના ભાગ રૂપે હિંદુ મંદિર એક્ઝિક્યુટિવ કાઉન્સિલે અક્ષરધામ પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં યોગદાન આપનારા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો તથા શાંતિ, સકારાત્મકતા અને સાંસ્કૃતિક સંવર્ધનના હેતુને આગળ વધારવામાં તેમના પ્રયાસોને બિરદાવવામાં આવ્યાં હતા.

 

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments