કેલિફોર્નીયાના ડબલિનમાં 6930 વિલેજ પાર્કવે ખાતે આવેલા શ્રી પંચમુખા હનુમાન મંદિરમાં એક વર્ષ કરતાં ઓછા સમયમાં બીજી વખત ચોરી થઈ હતી. 7 સપ્ટેમ્બરના રોજ સવારે લગભગ 4:40 વાગ્યે ચોરોએ મંદિર પર ત્રાટકીને આશરે $34,000 રોકડા અને દાગીનાની ચોરી કરી હતી.
ડબલિન પોલીસ સર્વિસીસના અધિકારીઓએ કહ્યું હતું કે ચોરી ધાર્મિક પૂર્વગ્રહ કે દ્વેષથી પ્રેરિત હતી કે કેમ તેના અત્યાર સુધી કોઈ પુરાવા મળ્યા નથી. પરંતુ પોલીસ સક્રિય કરી તપાસ કરી રહી છે.
સ્થાનિક સમુદાય માટે મંદિર અને સાંસ્કૃતિક કેન્દ્ર બંને તરીકે સેવા આપતા શ્રી પંચમુખા હનુમાન મંદિરમાં જાન્યુઆરી 2025માં પણ ચોરી થઈ હતી. પોલીસને અત્યાર સુધી તેના કોઈ પુરાવા મળ્યા નથી. આ ચોરી ધાર્મિક દ્વેષ અથવા પૂર્વગ્રહથી પ્રેરિત હતી કે કેમ તેની પોલીસ તપાસ કરી રહી છે.
મંદિરના અગ્રણીઓના જણાવ્યા મુજબ ચોરોએ દિવાલ અને ઓફિસની ગ્રીલની તોડફોડ કરી હતી. મંદિરને વારંવાર નિશાન બનાવવા બાબતે દુઃખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે સીસીટીવી સુરક્ષા કેમેરાના અભાવે ગુનેગારોને ઓળખવાના પ્રયાસો જટિલ બને.
એક સમર્થકે જણાવ્યું હતું કે “આ ફક્ત કિંમતી દર-દાગીનાનું નુકસાન નથી, તે આપણા સમુદાયની સલામતીની ભાવના માટે એક ફટકો છે.”
ઘણા શ્રદ્ધાળુઓએ ચોરીની ઘટના બાદ નોર્ધર્ન કેલિફોર્નિયામાં મંદિરો અને ધાર્મિક સ્થળોને વધુ મજબૂત સુરક્ષા આપવા માંગણી કરી છે.
સમુદાયના સભ્યોએ બે વિસ્તારમાં પૂજા સ્થળોની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે. પોલીસે ચોરી વિશે માહિતી ધરાવતા કોઈપણ વ્યક્તિને 925 833 6670 પર ડબલિન પોલીસનો સંપર્ક કરવા વિનંતી કરી છે.
