
15મી યુકે-આફ્રિકા બિઝનેસ સમિટ શુક્રવાર, 12 સપ્ટેમ્બરના રોજ ધ રોયલ હોર્સગાર્ડ્સ હોટેલ એન્ડ વન વ્હાઇટહોલ પ્લેસ ખાતે યોજાઈ હતી, જેમાં યુકે અને આફ્રિકન રાષ્ટ્રો વચ્ચે વેપાર અને રોકાણ સંબંધોને મજબૂત બનાવવા માટે વરિષ્ઠ સરકારી નેતાઓ, ઉદ્યોગસાહસિકો, રોકાણકારો અને ડાયસ્પોરાના સભ્યોએ ભાગ લીધો હતો.
યુગાન્ડાના સૌથી ધનિક ઉદ્યોગપતિ ડૉ. સુધીર રૂપારેલિયાએ યુગાન્ડા પ્રત્યે તેમના પરિવારની ઊંડી પ્રતિબદ્ધતા વિશે બોલતા જણાવ્યું હતું કે “અમે હજારો નોકરીઓનું સર્જન કર્યું છે, જેનાથી લાખો યુગાન્ડાવાસીઓને ફાયદો થયો છે. રિયલ એસ્ટેટ ક્ષેત્ર ગતિશીલ છે અને કૃષિમાં અસંખ્ય તકો છે. હોસ્પિટાલિટી અને પર્યટન સમૃદ્ધ થઈ રહ્યાં છે – ચાલો આ ક્ષણનો લાભ લઈએ.”
હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય અને આફ્રિકામાં યુકેના ભૂતપૂર્વ વડાપ્રધાનના રાજદૂત લોર્ડ ડોલર પોપટે બદલાતી વૈશ્વિક વેપાર વાસ્તવિકતાઓ વચ્ચે આફ્રિકાની મહત્વપૂર્ણ ભૂમિકા પર પર ભાર મૂકીને કોમનવેલ્થ સંબંધોને ગાઢ બનાવવાનો આગ્રહ કર્યો હતો. તેમણે વેપારને મજબૂત બનાવવા માટે આફ્રિકા, યુકે અને ભારત વચ્ચે સહયોગ પર પણ ભાર મૂક્યો હતો.
આ સમિટમાં સરકાર અને રાજદ્વારી ક્ષેત્રના પ્રભાવશાળી અવાજો પણ સામેલ થયા હતાં.
યુગાન્ડાના પ્રથમ નાયબ વડાપ્રધાન અને પૂર્વ આફ્રિકન સમુદાય બાબતોના પ્રધાન રેબેકા કડાગાએ પૂર્વ આફ્રિકાના ઇન્ટિગ્રેશન એજન્ડા, AfCFTA અપનાવવાની ગતિ વધારવા, નોન-ટેરિફ અવરોધો દૂર કરવા અને આ ક્ષેત્રને સ્પર્ધાત્મક રોકાણ બજાર તરીકે સ્થાપિત કરવા માટે માળખાગત સુવિધાઓનું સંકલન કરવા પર ભાર મૂક્યો હતો.
કર્નલ એડિથ નાકાલેમાએ પ્રેસિડન્ટ યોવેરી કાગુતા મુસેવેનીના નેતૃત્વ હેઠળ રોકાણના સક્ષમ વાતાવરણ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ખાસ કરીને સાયબર છેતરપિંડી સામે રોકાણકારોને સુરક્ષિત રાખવા માટે SHIPUના સંચાલનમાં ટેકનોલોજી-આધારિત કાર્યક્ષમતાનો ઉલ્લેખ કર્યો હતો.
કૃષિ વ્યવસાય અને મૂલ્ય-વર્ધન વિકાસના પ્રેસિડન્ટના વરિષ્ઠ સલાહકાર ડૉ. હિલેરી મુસોકે કિસાંજાએ કૃષિને આર્થિક વૃદ્ધિના હાઇ વેલ્યૂમાં પરિવર્તિત કરવા માટેની યુગાન્ડાના રોડમેપને ખુલ્લો મૂક્યો હતો.
ટ્રેડ, રેસિલિયન્સ અને ડિપ્લોમસી અંગેના મુખ્ય સેશનમાં યુકેમાં યુગાન્ડાના હાઈ કમિશનર નિમિષા માધવાણી સહિતના રાજદ્વારીઓ સાથે જોડાયાં હતાં. આ સેશનમાં સહભાગીઓએ બદલાતા જતાં યુગમાં આફ્રિકા યુકે સાથેની તેની ભાગીદારીને કેવી રીતે નવેસરથી તૈયાર કરી શકે તેની ચર્ચા કરી હતી. યુગાન્ડાના પ્રતિનિધિમંડળમાં ઉર્જા અને ખનિજ વિકાસ પ્રધાન રુથ નાનકબિરવા પણ સામેલ હતાં.
દાસ ધર્મ-સચખંડ નાનક ધામના વડા આધ્યાત્મિક નેતા સંત ત્રિલોચન દર્શન દાસજી માનદ મુખ્ય અતિથિ તરીકે સમિટમાં ઉપસ્થિત રહ્યા હતાં. તેમણે પ્રતિનિધિઓને નૈતિક ઉદ્યોગસાહસિકતા અપનાવવા તથા આર્થિક મહત્વાકાંક્ષાને પ્રામાણિકતા અને સામાજિક ભલાઈના મૂલ્યો સાથે જોડવા અનુરોધ કર્યો હતો.
સમિટના સ્થાપક અને ચેરમેન વિલી મુટેન્ઝાએ નવા યુએસ ટેરિફ અને બદલાતા ભૂ-રાજકીય વાતાવરણથી ઊભા થયેલા પડકારોને ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે આફ્રિકા એક મજબૂત બજાર ધરાવે છે, ત્યાં રોકાણકારો માટે લાંબા ગાળાની તકો છે.
