હોંગકોંગમાં રવિવારે પુરી થયેલી બેડમિંટન ટુર્નામેન્ટમાં ભારતનો લક્ષ્ય સેન અને સાત્વિક સાઈરાજ રાંકીરેડ્ડી – ચિરાગ શેટ્ટીની જોડીએ આ સુપર 500 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં રનર-અપ ટ્રોફી પ્રાપ્ત કરી હતી. લક્ષ્ય સેન સિંગલ્સની ફાઇનલમાં વિશ્વના નંબર-4 લી શી ફેંગ સામે 15-21, 12-21થી હારી ગયો હતો.
તો પુરૂષોની ડબલ્સની ફાઇનલમાં ભારતના સાત્વિક – ચિરાગની જોડીનો ચીનના વેઇકેંગ અને વાંગ ચાંગની જોડી સામે પહેલી ગેમમાં 21-19થી વિજય પછી બીજી બે ગેમ 21-14, 21-17થી પરાજય થતાં તેમને પણ રનર્સ-અપથી સંતોષ માનવો પડ્યો હતો. સાત્વિક-ચિરાગ માટે આ સિઝનની આ પહેલી ફાઇનલ હતી. આ અગાઉ તેઓ છ વખત સેમિફાઇનલમાં હારી ગયા હતા.
મીનાક્ષી અને જાસ્મીનને વર્લ્ડ બોક્સિંગમાં ગોલ્ડ
ભારતની બે મહિલા મુક્કાબાજ – મીનાક્ષી અને જાસ્મીને ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી ભારતનું ગૌરવ વધાર્યું હતું, તો અન્ય બે બોક્સર્સે સિલ્વર અને બ્રોંઝ મેડલ હાંસલ કર્યા હતા.
ઇંગ્લેન્ડમાં ચાલી રહેલી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતે બીજો ગોલ્ડ મેડલ જીત્યો છે. રવિવારે મીનાક્ષીએ 48 કિગ્રા વજન વર્ગના અંતિમ મુકાબલામાં 3 વખતના વર્લ્ડ ચેમ્પિયન કઝાકિસ્તાનની નઝિમને 4-1થી હરાવી હતી. તે અગાઉ, જાસ્મિન લમ્બોરીઆએ 57 કિલો વર્ગમાં પોલેન્ડની જુલિયાને 4-1થી હરાવી હતી.
નુપુરનો 80 કિલોના અંતિમ જંગમાં પરાજય થતાં તેને સિલ્વર અને પૂજા રાનીને 80 કિલો વર્ગમાં બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
મીનાક્ષીએ ટુર્નામેન્ટના ઇતિહાસમાં મહિલા વર્ગમાં ભારતને 16મો ગોલ્ડ અપાવ્યો છે. ભારતે આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી 9 સિલ્વર અને 22 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.














